વારાણસીમાં શનિવાર, 23 ઓક્ટોબર 2021ના રોજ ગંગા ઘાટે ગંગા આરજી દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં ભારતની ટીમના વિજય માટે દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. (PTI Photo)

ટી20 વર્લ્ડ કપનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ ખરો પ્રારંભ તો રવિવાર 24 ઓક્ટોબરથી થશે કેમ કે મુકાબલો છે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો. યુનાઇટેડ આરબ અમિરાત ખાતે યોજાયેલો આ વખતનો વર્લ્ડ કપ તેના પ્રારંભથી જ રોમાંચક બની જવાનો છે તેની ગેરન્ટી એટલા માટે આપી શકાય કેમ કે ભારત તેની પ્રથમ મેચમાં જ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમવાનું છે.

જોકે પાકિસ્તાનની ટીમ તેના 1980 કે 1990ના દાયકા જેવી મજબૂત નથી તેમ છતાં આખરે તે પાકિસ્તાની ટીમ છે અને ભારત સામે રમતી વખતે તે હંમેશાં અલગ જ પ્રકારના ફોર્મમાં આવી જતી હોય છે. રવિવારે અહીં યોજાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ભારતીય સમય મુજબ સાંજે 7.30 કલાકે શરૂ થશે.

જૂન 2019ના વર્લ્ડ કપની વન-ડે બાદ પહેલી વાર બંને ટીમો એક બીજા સામે ટકરાશે. જ્યારે ટી20માં 2016 પછી પહેલી વાર બંને ટીમોનો સામનો થશે. આ સાથે ટી20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની ટીમના અભિયાનનો પ્રારંભ થશે. ભારતે અને વિરાટ કોહલીએ આ મેચ અને ટુર્નામેન્ટ સાથે ઘણું બધું પુરવાર કરવાનું છે. કોહલી ટી20માં છેલ્લી વાર કપ્તાની કરી રહ્યો છે. વર્લ્ડ કપને અંતે તે સુકાનીપદ છોડી દેશે અને માત્ર બેટ્સમેન તરીકે જ રમવાનો છે. આ ઉપરાંત ભારત કોઈ મેગા ઇવેન્ટમાં ઘણા સમયથી ચેમ્પિયન બન્યું નથી જ્યારે હકીકત એ છે કે ક્રિકેટમાં અત્યારે ભારત સુપર પાવર છે. ભારત અને પાકિસ્તાન આ વખતે એક જ ગ્રૂપમાં સામેલ છે અને તેમાંય બંને વચ્ચેના મુકાબલા સાથે જ કોહલી અને બાબર આઝમની ટીમના અભિયાનનો પ્રારંભ થશે. ટી20 કે વન-ડે વર્લ્ડ કપના ઇતિહાસ પર નજર કરીએ તો આ મેગા ઇવેન્ટમાં ભારતનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે તેમ છતાં દર વખતની માફક આ વખતે પણ વિરાટ કોહલી કે તેની ટીમના સાથીઓ સાવચેતી તો રાખશે જ કેમ કે હરીફ ટીમ ગમે ત્યારે પ્રહાર કરવા માટે જાણીતી છે.

વિરાટ કોહલીની ટીમ પાસેથી એક ભારતીય તરીકે ટાઇટલ જીતવાની અપેક્ષા રખાય તે સ્વાભાવિક છે પરંતુ તે તો દરેક ટુર્નામેન્ટ કે સિરીઝ અગાઉ રખાતી હોય છે પણ વાસ્તવિક તકો કેટલી છે તે પણ જોવાનું રહેશે. આ વખતનો વર્લ્ડ કપ ભારતને ફાળવાયો હતો પરંતુ કોરોનાને કારણે દેશમાં ટુર્નામેન્ટ યોજલી શક્ય નહીં હોવાથી કપ યુનાઇટેડ આરબ અમિરાતમાં યોજવાનો નિર્ણય લેવાયો. આમ ભારતને થોડો લાભ એ રીતે થશે કે તાજેતરમાં જ અમિરાતના મેદાનો પર જ ઇન્ડિયન પ્રીમિયર લીગનું આયોજન થયું હતું જેમાં વર્તમાન ભારતીય ટીમના તમામ સદસ્યો રમ્યા હતા. આમ છતાં પાકિસ્તાન સામેની મેચમાં ભારતનો આધાર વિરાટ કોહલી અને રોહિત શર્મા રહેશે. ભારતનુ જમાપાસું એ છે કે લોકેશ રાહુલ શાનદાર ફોર્મમાં છે. રાહુલે લગભગ તમામ મેચમાં પોતાની હાજરીની નોંધ લેવાય તેવો દેખાવ કર્યો છે. તે આક્રમક બેટ્સમેન છે અને રોહિત સાથે મળીને ઝંઝાવાતી પ્રારંભ કરી શકે છે. કોહલીનો એક અલગ જ ક્લાસ છે તે મેચ પ્રેક્ટિસ ધરાવતો હોય કે નહીં તેનાથી ખાસ ફરક પડતો નથી.

બોલિંગમાં ભારત મજબૂત છે. તેણે ભલે ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં 180થી વધુ રન આપી દીધા પણ તેમ છતાં જસપ્રિત બુમરાહ કે મોહમ્મદ શમી અત્યારે વિશ્વના સર્વોત્તમ બોલર છે. આ ઉપરાંત અમિરાતની વિકેટોને ધ્યાનમાં રાખીએ તો રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન જેવા સ્પિનર કમાલ કરી શકે તેમ છે. ભારતને પાંચમા બોલરની તકલીફ નડી શકે તેમ છે કેમ કે હાર્દિક પંડ્યા બોલિંગ કરવાનો નથી. શાર્દૂલ ઠાકુરને છેલ્લી ઘડીએ અક્ષર પટેલને સ્થાને ટીમમાં સામેલ કરાયો છે. શાર્દૂલ ટીમને બ્રેક અપાવવા માટે જાણીતો છે. આ સંજોગોમાં બની શકે કે ભારત પાંચને બદલે છ બોલર સાથે મેદાનમાં ઉતરે.