બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી (ANI Photo)

બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ઉપ-રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ભાજપના વડપણ હેઠળના NDA ઉમેદવાર જગદીપ ધનખડને સમર્થન આપવાની બુધવારે જાહેરાત કરી હતી.

દલિત નેતાએ માયાવતીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી. હવે આ જ સ્થિતિને કારણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે પણ 6ઠ્ઠી ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે.

તેમણે લખ્યું કે, BSPએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ વ્યાપક જનહિત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને જગદીપ ધનખડને પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને તેની હું આજે સત્તાવાર રીતે જાહેરાત પણ કરી રહી છું.

ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. NDAએ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માર્ગારેટ આલ્વા મેદાનમાં છે. NDA ઉમેદવાર ધનખડને અત્યાર સુધી ભાજપ, JDU, અપના દળ (સોનેલાલ), BJD, AIADMK, YSR કોંગ્રેસ, લોક જનશક્તિ પાર્ટી જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે જ્યારે વિપક્ષના ઉમેદવાર માર્ગારેટ આલ્વાને કોંગ્રેસ, સપા અને ડાબેરી પક્ષોનું સમર્થન છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધનખડનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે, કારણ કે ભાજપ પાસે લોકસભા અને રાજ્યસભાના સભ્યોની બનેલી ઇલેક્ટોરલ કોલેજમાં બહુમતી છે. સંસદના બંને ગૃહમાં હાલમાં સભ્યોની કુલ સંખ્યા 780 છે, જેમાંથી એકલા ભાજપના સભ્યોની સંખ્યા 394 છે, જે 390ની બહુમતી કરતાં પણ વધુ છે.