ભારત સરકારે મેડિકલ ટુરીઝમને વધુ પ્રોત્સાહન આપવા વિવિધ કાર્યક્રમો શરૂ કર્યા છે. ખાસ તો વિદેશી નાગરિકોને વધુ સારી સારવાર સરળતાથી મળી રહે તે માટે નવા આયોજનો અમલમાં મુક્યા છે. આ અંગે દેશના આરોગ્ય પ્રધાન ડો. મનસુખ માંડવિયાએ શુક્રવારે નવી દિલ્હીમાં એક કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત તેની ઉચ્ચ સ્તરની હેલ્થકેર ઇકોસિસ્ટમ અને વિશ્વ કક્ષાની તબીબી સુવિધાઓ ધરાવતું સમગ્ર વિશ્વ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આજે વિશ્વના વિવિધ દેશોમાંથી લોકો મોટી સંખ્યામાં સારવાર માટે ભારત આવી રહ્યા છે. મેડિકલ ટુરીઝમને વધુ પ્રોત્સાહન આપવા સરકારે ‘હીલ ઇન ઈન્ડિયા’ અને ‘હીલ બાય ઈન્ડિયા’ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જે દેશના તબીબી કર્મચારીઓને સમગ્ર વિશ્વમાં તંદુરસ્ત સમાજમાં યોગદાન આપવાની તક પૂરી પાડશે.
મેડિકલ વેલ્યુ ટુરિઝમને વધુ મજબૂત કરવા અંગે ડો. મનસુખ માંડવિયાએ સારવાર માટે ભારત જવા ઇચ્છતા લોકો માટે વિશ્વભરની ઇન્ડિયન એમ્બેસીમાં સુવિધા કેન્દ્રો સ્થાપવાનું સૂચન કર્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જુદા જુદા દેશોમાંથી ભારતમાં સારવાર લેવા ઇચ્છતા લોકો માટે વિશ્વસનીય માહિતીની સુવિધા અને સરળતા માટે એક ‘વન સ્ટેપ’ પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે. મેડિકલ ક્ષેત્રમાં અન્ય દેશો સાથે કરારો કરવાના આયોજનઅંગે કુશળ નર્સો પ્રદાન કરવા માટે અમે જાપાન સાથે કરાર કર્યો છે. કુશળ તબીબી માનવશક્તિ માટે અન્ય દેશો સાથે પણ આવા કરાર થયા છે.
આયુર્વેદ સારવાર માટે અન્ય દેશોમાંથી ભારત આવતા લોકો માટે વિશેષ વિઝા શ્રેણી બનાવવામાં આવી છે. આયુર્વેદ સારવાર મેળવવા માટે 165 દેશો સાથે મેડિકલ વિઝા અને મેડિકલ એટેન્ડન્ટ વિઝાની જોગવાઈ કરવામાં આવી છે. તાજેતરમાં, મેડિકલ ટુરિઝમ એસોસિએશન દ્વારા મેડિકલ ટુરિઝમ ઈન્ડેક્સ 2020-21 જારી કરવામાં આવ્યો છે. આ મુજબ, ભારત હાલમાં ટોચના 46 દેશોમાં 10મા સ્થાને છે, વિશ્વના ટોચના 20 વેલનેસ ટૂરિઝમ માર્કેટમાં 12મું છે, એશિયા-પેસિફિક ક્ષેત્રના 10 વેલનેસ ટૂરિઝમ માર્કેટમાં 5મું છે. ભારતમાં સારવારનો ખર્ચ અમેરિકામાં સારવારના ખર્ચ કરતાં 65 થી 90 ટકા ઓછો છે. ભારતમાં, 39 JCI અને 657 NABH માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો છે, જે વૈશ્વિક ગુણવત્તાના ધોરણો અને બેન્ચમાર્કની બરાબર કરે છે અથવા તો વધુ સારી છે.