Medicinal properties of sugar
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડો. યુવા અય્‍યરઆયુર્વેદિક ફિઝિ‌શિયન

ઘણા બધા પ્રચલિત ખાદ્યપદાર્થો છે, જે ઔષધોની માફક કામ કરવા સક્ષમ છે. રોજ-બ-રોજની રસોઇમાં વપરાતાં મસાલા, ફળો, તેલ-ઘી વગેરે વિશે યોગ્ય માહિતી હોય, તો તેનાં ઔષધિય ગુણોનો લાભ લેવો શક્ય બને.

સાકરનો ગળ્યો રસ અને આયુર્વેદિય દ્રવ્ય-ગુણ વિજ્ઞાનનુસાર તેનું વીર્ય-એક્ટિવ પ્રિન્સીપલ શીત-માત્ર ઠંડક કરે તેવું નહીં, પરંતુ વિકૃત પિત્તની દાહકતા, ખટાશ, વિદગ્ધતા, ચીકાશ, આથો આવવા જેવી પાચનમાં બાધારૂપ થતી આડઅસરને દૂર કરવા સક્ષમ છે. સાકરને આયુર્વેદમાં ‘શર્કરા’ તરીકે સંબોધવામાં આવે છે. ઔષધના પ્રયોગ માટે અનેક જગ્યાએ સાકરનો પ્રયોગ આયુર્વેદમાં સૂચવાયો છે. અમુક રોગોના ઇલાજ માટે વપરાતી દવાઓ સાથે અનુપાન-ઔષધની અસરકારકતા વધારવા વપરાતાં દ્રવ્ય તરીકે સાકરનો પ્રયોગ સૂચવવામાં આવ્યો છે.

સાકર એટલે માત્ર ગળપણ?: સાકર શબ્દ સાંભળતા જ ગળપણ – મીઠાશનો અનુભવ થાય છે. સામાન્ય જનમાનસમાં એવી માન્યતા છે કે, આયુર્વેદ ઔષધની કડવાશ દૂર કરવા માટે, સાથે સાકરનું ચૂર્ણ ભેળવવાનું સૂચન કરે છે. પરંતુ સાકરમાં ગળ્યો રસ છે, તથા ગળપણની ઔષધની કડવાશ, તુરાશ અને તીખાશ ઓછી કરી શકાય તે પણ વાસ્તવિકતા છે. પરંતુ ગળપણ ઉપરાંત સાકરમાં રહેલી વિકૃત, પિત્ત, વિકૃત દૂર કરવાની તેની વિશેષ ક્ષમતાને ધ્યાનમાં રાખી તેનો ઉપયોગ સૂચવવામાં આવે છે. જૂની ખાંસી, જામી ગયેલા કફ માટે વપરાતાં સિતોપલાદિ ચૂર્ણની પ્રચલિતતાનું મુખ્ય કારણ એ પણ છે કે, તેમાં સાકર હોવાને કારણે સ્વાદમાં ભાવે તેવું હોય છે. બાળકો પણ સરળતાથી લઇ શકે છે. પરંતુ અહીં માત્ર સ્વાદને ધ્યાનમાં રાખીને સાકર પ્રયોજાઇ નથી. સાકર પોતાના વિશિષ્ટ ગુણથી જામી ગયેલા કફને છુટો પાડવામાં અસરકારક છે. સાકર ખાંસી ખાઇ-ખાઇને છોલાઇ ગયેલા ગળામાં રૂઝ લાવવામાં મદદરૂપ છે.

આ ઉપરાંત જૂની ખાંસી જેવા રોગમાં ત્રિદોષમાંના માત્ર ‘કફદોષ’ની જ વિકૃતિ થઇ હોય છે, તેવું નથી હોતું. રોગ જન્માવા માટે કારણભૂત દોષોની વિકૃતિમાં કોઇ પણ એક વિશેષ વિકૃત થયો હોવાની સાથે અન્ય દોષ કે દોષોમાં પણ વિકૃતિ થતી હોય છે. આયુર્વેદિય પરિભાષામાં આવા અન્ય દોષોની વિકૃતિને દોષો ‘અનુબંધ’ (સાથે જોડાયેલ) કહે છે. જૂની ખાંસીના દર્દમાં વિકૃત કફ સાથે ક્યરેક પિત્ત, ક્યારેક વાયુ તો ક્યારેક વાયુ અને પિત્ત બંને દોષોનો અનુબંધ જોવા મળે છે. પિપ્પલી, એલચી, તજ જેવા અન્ય ઔષધોની સાથે સાકર ઉમેરી બનાવવામાં આવતાં સિતોપલાદિ ચૂર્ણમાં સાકરની પિત્ત અને વાયુની વિકૃતિ દૂર કરવાના ગુણને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.

સાકરને માત્ર ગળપણ તરીકે ન ગણવી જોઇએ, અપચો, આફરો, એસિડીટી, ઉબકા, છાતીમાં બળતરા, પ્રવાસ દરમિયાન થતી ઉલટી જેવા વાયુ – પિત્તની વિકૃતિથી થતાં નાના-મોટા રોગમાં સાકર ચૂસવાથી તુરંત ફાયદો થાય છે.

સાકરનો ઉપયોગ કરી બનાવવામાં આવતા અસરકારક ઔષધો

સિતોપલાદીચૂર્ણઃ વંશલોચન 8 ગ્રામ, એલચી દામા 2 ગ્રામ, તજ 1 ગ્રામ અને સાકર 16 ગ્રામ – આ મુજબના અનુપાતમાં આ બધાં ચૂર્ણો મિશ્ર કરવાથી સિતોપલાદીચૂર્ણ બને છે. સિતોપલા એટલે સાકર, જે ચૂર્ણમાં સાકર ઉપરાંત બીજાં દ્રવ્યો ઉમેરેલાં છે, તેવું ચૂર્ણ – સિતોપલાદીચૂર્ણ. સિતોપલાદીચૂર્ણ ખાંસી મટાડવા માટેનું બહુપ્રચલિત ચૂર્ણ છે. 3 ગ્રામથી 6 ગ્રામ આવશ્યતાનુસાર મધ સાથે ચાટી શકાય.

સાકરનું સિરપઃ સાકરના ગાંગડાને પાવડર કરી, તેમાં પાવડર ડૂબે તેથી થોડું વધારે પાણી ઉમેરી, ધીમા તાપે ઉકાળવું, બે-ત્રણ ઊભરા આવે ત્યારે તાપ પરથી મિશ્રણને લઇ લેવું. આ મુજબ તાર ન બને તેવી ચાસણીને વિવિધ ઘરગથ્થું ઇલાજ દરમિયાન સાકરનાં ગુણોનો ફાયદો મેળવવા વાપરી શકાશે.

બાળકોની ખાંસી-શરદી માટેઃ આ મુજબ બનાવેલી સાકરની ચાસણી 100 ગ્રામ જેટલી લઇ, તેમાં 10 ગ્રામ એલચી, 10 ગ્રામ લવિંગ, 2 ગ્રામ તજનો પાવડર કરી ઓગાળી દેવો. આ ચાસણીમાં થોડું કેસર પણ ઓગાળી શકાય. આ મુજબ બનાવી રાખેલું સિરપ બાળકોને વારંવાર થતી ખાંસી-શરદી રોકવા માટે નિયમિત રીતે દિવસમાં એક વખત ઉંમર અને વજનાનુસાર 1થી 3 ચમચી આપી શકાય.

ખાંસી વધુ હોય, કફ વધુ જામી ગયો હોઇ બાળક તેને બહાર કાઢવા અક્ષમ હોય તેવા સમયે આ સિરપમાં જ સરખા પ્રમાણમાં ભેળવેલું અરડૂસી અને હળદરનું ચૂર્ણ 3 ગ્રામ ત્રણ ચમચી સિરપમાં ભેળવી, દિવસમાં ત્રણ ભાગ ચટાડવું, કફ છૂટો પડી ગળફા દ્વારા આસીનીથી બહાર નીકળી શકશે.

આદું-તુલસીનો રસ એક ચમચી પ્રમાણમાં લઇ, એક ચમચી સિરપ સાથે ભેળવી બાળકની ઉંમર અને વજન પ્રમાણે ઠંડીની ઋતુ દરમિયાન આપવાથી જે બાળકને વારંવાર શરદી ખાંસી, ભૂખ ન લાગવી, બાળકનો વિકાસ અટકી ગયો હોય, વજન ન વધતું હોય તેવા કિસ્સામાં કુદરતી અને સચોટ ઔષધનું કામ કરશે.

અવિપત્તિકરચૂર્ણઃ પિત્તથી થતા રોગ ખાસ કરીને પાચન સંબંધિત રોગ, અપચો – એસિડીટી મટાડવા માટે ઉપયોગી અને પ્રચલિત ચૂર્ણ છે. ત્રિકટુ(સૂંઠ, મરી અને પીપર)નું સપ્રમાણ ચૂર્ણ, ત્રિફળાચૂર્ણ, મેથીનું ચૂર્ણ, બીડલવણ, વાવડીંગ, તમાલપત્રનાં ચૂર્ણો 10-10 ગ્રામ લવિંગનું ચૂર્ણ100 ગ્રામ ત્રિવૃત્તનું ચૂર્ણ 400 ગ્રામ અને સાકરનું ચૂર્ણ 700 ગ્રામના અનુપાતમાં ભેળવવું, આ મુજબ મિશ્ર કરેલા ચૂર્ણને અવિપત્તિકરચૂર્ણ કહેવાય છે.

અનુભવ સિદ્ધઃ વકીલ, ડોક્ટર, પ્રોફેસર, વક્તાઓ, ગાયનના વ્યવસાય સાથે જોડાયેલ વ્યક્તિ સાકરનાં બે-ત્રણ ટુકડા નિયમિત ચુસવાની ટેવ રાખે તો વાણી-ઉચ્ચારમાં સ્પષ્ટતા જળવાશે.

LEAVE A REPLY

five + 18 =