Rain in Gujarat
સુરતમાં સોમવાર, 4 જુલાઈ 2022ના રોજ વરસાદને પગલે પેટ્રોલ પંપ પાસેના રસ્તા પર પાણી ભરાયા હતા. (PTI Photo)

ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે અને રવિવાર, 14 ઓગસ્ટ સુધીમાં સીઝનનો ૮૪.૨૬ ટકા વરસાદ નોંધાયો છે, જે છેલ્લાં ૮ વર્ષમાં રાજ્યમાં ૧૪ ઓગસ્ટ સુધી નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. 14 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં સરેરાશ 28.20 ઇંચ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં 24.22 ઇંચ સાથે સરેરાશ 135 ટકા, દક્ષિણ ગુજરાતમાં 54.52 ઇંચ સાથે સરેરાશ 94 ટકા, સૌરાષ્ટ્રમાં 21.12 ઇંચ સાથે સરેરાશ 79 ટકા, ઉત્તર ગુજરાતમાં 21.15 ઇંચ સાથે સરેરાશ 75 ટકા વરસાદ નોંધાયો હતો.

ગયા વર્ષે ૧૪ ઓગસ્ટ સુધી ૧૨.૧૮ ઈંચ સાથે રાજ્યમાં મોસમનો સરેરાશ માત્ર ૩૬.૮૪ ટકા વરસાદ નોંધાયો હતો. આમ, ગયા વર્ષની સરખામણીએ આ વખતે વરસાદનું પ્રમાણ બમણાથી પણ વધુ છે. આ વખતે રાજ્યના ૪૧ તાલુકામાં ૪૦ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં આ વખતે સરેરાશની રીતે કચ્છમાં સૌથી વધુ ૧૩૫ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છમાં ગત વર્ષે ૧૪.૫૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ૫૫ ઈંચ સાથે મોસમનો ૯૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૧.૧૨ ઈંચ સાથે મોસમનો ૭૯ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૧.૧૫ ઈંચ સાથે મોસમનો ૭૫ ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૩ ઈંચ સાથે મોસમનો ૭૩ ટકા વરસાદ નોંધાયો હતો. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડ ૯૧ ઈંચ સાથે મોખરે છે. આ સિવાય ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં ૫૩ ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો હતો. જેમાં કપરાડામાં ૧૨૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

કચ્છ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ ૬ જિલ્લામાં સીઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો હતો. જેમાં ગીર સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ૨૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં ૫૩.૨૬ ઈંચ સાથે ૧૨૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોધાઇ ચૂક્યો હતો.

રાજ્યના જે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો, તેમાં દાહોદ મોખરે હતું. દાહોદમાં ૧૩ ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર ૪૬ ટકા વરસાદ નોંધાયો હતો. આ સિવાય સુરેન્દ્રનગરમાં માત્ર ૧૪ ઈંચ, ભાવનગરમાં ૧૫.૧૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લામાં ૧૫.૨૭ ઈંચ સાથે મોસમનો ૫૬ ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી ૨૯.૩૭ ઈંચ સાથે સૌથી વધુ ૯૪ ટકા જ્યારે સાણંદમાં ૧૦.૦૭ ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો ૩૨ ટકા વરસાદ નોંધાયો હતો. ગુજરાતમાં જૂન મહિનામાં ૨.૫૨ ઈંચ, જુલાઇમાં ૨૦.૯૨ ઈંચ જ્યારે ૧૪ ઓગસ્ટ સુધી ૪.૭૪ ઈંચ વરસાદ નોંધાયો હતો.