કર્ણાટકની સિની શેટ્ટી મુંબઈમાં રવિવાર, 3 જુલાઈએ યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી હતી.ફર્સ્ટ રનર-અપ રાજસ્થાનની રુબલ શેખાવત અને સેકન્ડ રનર-અપ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ રહી હતી.(ANI Photo)

કર્ણાટકની સિની શેટ્ટી મુંબઈમાં રવિવાર, 3 જુલાઈએ યોજાયેલી ગ્રાન્ડ ફિનાલેમાં ફેમિના મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી હતી. સિની 21 વર્ષની છે. મિસ ઈન્ડિયા 2022ના ગ્રાન્ડ ફિનાલે ઈવેન્ટ મુંબઈના જિયો કન્વેંશન સેન્ટરમાં યોજાઈ હતી. વિજેતા સિની શેટ્ટી બાદ બીજા સ્થાન પર રાજસ્થાનની રુબલ શેખાવત રહી હતી. તે મિસ ઈન્ડિયાની પહેલી રનર-અપ રહી છે. બીજી તરફ ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરનારી શિનાતા ચૌહાણ બીજી રનર-અપ રહી હતી.

મિસ ઈન્ડિયા 2021ની વિજેતા રહેલી માનસા વારાણસીએ મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટીને તાજ પહેરાવ્યો હતો. ટોપ 5માં સિની શેટ્ટી, રુબલ શેખાવત, શિનાતા ચૌહાણ, પ્રજ્ઞા અય્યારી અને ગાર્ગી નંદી હતા. વિજેતા તરીકે પસંદગી થતાં સિનીના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી. સિની શેટ્ટી મૂળ કર્ણાટકની રહેવાસી છે, પરંતુ તેમનો જન્મ મુંબઈમાં જ થયો હતો. તે હાલમાં ચાર્ટર્ડ ફાઈનાન્શિયલ એનાલિસ્ટ (CFA)નો પ્રોફેશનલ કોર્સ કરી રહી છે. તેનો પ્રથમ પ્રેમ ડાન્સિંગ તરફ રહ્યો છે તેણે 4 વર્ષની ઉંમરમાં જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધુ હતું.