ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીય છ માર્ચ 2021ના રોજ કોલકત્તામાં અભિનેતા મિથુન ચક્રવર્તીને મળ્યા હતા. IMAGE POSTED BY @KailashOnline ON SATURDAY, MARCH 6, 2021(PTI Photo)

પશ્ચિમ બંગાળાની વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા અભિનેતા મિથુન ચક્રવર્તી રવિવારે ભાજપમાં જોડાયા હતા. રાજ્યમાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સામેના ચૂંટણીજંગમાં ભાજપની આ મોટી સફળતા ગણવામાં આવે છે. તૃણમુલ કોંગ્રેસના ભૂતપૂર્વ રાજ્યસભાના સભ્ય મિથુન બંગાળમાં અનેક ચાહકો ધરાવે છે.

કોલકતાના બ્રિગેડ ગ્રાઉન્ડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેગા ચૂંટણીસભા પહેલા 70 વર્ષીય મિથુન ભાજપમાં જોડાયો હતો. તેઓ રાજ્યના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ અને બંગાળમાં ભાજપના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. આ પછી વિશાળ મેદની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો પ્રારંભ થયો હતો.
બંગાળના સૌથી વધુ લોકપ્રિય અભિનેતામાં સામેલ મિથુન દાએ ચૂંટણીસભામાં સંબોધન પણ કર્યું હતું. જેમાં તેમના સુપ્રસિદ્ધ ડાયલોગ માર્યા હતા. મિથુન ચક્રવર્તીએ હુંકાર કરતાં જણાવ્યું હતું કે, હું ૧૮ વર્ષનો હતો ત્યારથી જ ગરીબોની મદદ કરવા ઇચ્છતો હતો. આજે આ સપનુ પૂરું થવા જેવું લાગી રહ્યું છે. જો કોઇનું હક છીનાશે તો હું ઉભો થઇશ. હું એક નંબરનો કોબ્રા છું. ડંખીશ તો તમે ફોટો બની જશો. તેમણે કહ્યું કે, મને બંગાળી હોવા પર ગર્વ છે.

રેલીમાં મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરી મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મિથુન મંચ પર પાર્ટીનો ઝંડો લહેરાવતાં જોવા મળ્યાં હતાં. પશ્ચિમ બંગાળના હાઇ વોલ્ટેજ ચૂંટણી ડ્રામાની શરુઆત થઇ ગઇ છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે ત્યાં ભાજપ અને ટીએમસી વચ્ચે સીધો જંગ છે. સત્તાધારી ટીએમસી સામે પોતાની સત્તા બચાવવાની ચેલેન્જ છે, તો ભાજપને પશ્ચિમ બંગાળમાં પોતાનો ડંકો વગાડવાનો છે. તેવામાં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ ત્યાં ચૂંટણી પ્રચાર જોર પકડી રહયો છે.