પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. હાઇવે પર પ્રદર્શનકારીઓના વિરોધને કારણે એક ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફસાઈ ગયો હતો અને તેનાથી મોદીએ પોતાની ચૂંટણીસભાને રદ કરવી પડી હતી. . (PTI Photo)

પંજાબમાં બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકને કારણે મોટો વિવાદ ઊભો થયો હતો. હાઇવે પર પ્રદર્શનકારીઓના વિરોધને કારણે એક ફ્લાયઓવર પર વડાપ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફસાઈ ગયો હતો અને તેનાથી મોદીએ પોતાની ચૂંટણીસભાને રદ કરવી પડી હતી. મોદીના કાફલાને સુરક્ષિત બહાર કાઢવા માટે પંજાબના પંજાબના મુખ્યપ્રધાન ચરણજિત સિંહ ચન્નીને ફોન કોલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફોન કોલ લેવાનો ઇનકાર કર્યો હતો.

આ ઘટનાને કારણે મોદી પંજાબનો કાર્યક્રમ ટુંકાવીને ભટિંડા એરપોર્ટ પર પરત આવ્યા હતા અને પંજાબ સરકારની ટીકા કરતા એરપોર્ટ અધિકારીઓને કહ્યું હતું કે તમારા મુખ્યમંત્રીને મારો અભાર કહેજો કે હું ભટિંડા એરપોર્ટ પર જીવતો પહોંચ્યો છું. રાજ્ય સરકારની આવી ગંભીર બેદરકારીને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પંજાબની કોંગ્રેસ સરકાર પાસે તાકીદે અહેવાલ માંગ્યો હતો અને જવાબદાર લોકો સામે સખ્ત પગલાં લેવાની તાકીદ કરી હતી.

મંત્રાલયના નિવેદન મુજબ વડાપ્રધાન સવારે ભટિન્ડામાં ઉતર્યા હતા. તેનાથી તેઓ હેલિકોપ્ટર મારફત હુસૈનીવાલા ખાતે રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાના હતા. પરંતુ વરસાદ અને ખરાબ વિઝિબિલિટીને કારણે તેમણે 20 મિનિટ રાહ જોઇ હતી. હવામાન સારુ ન થતા રોડ માર્ગે શહીદ સ્મારક જવાનો નિર્ણય કર્યો હતો.પંજાબના ડીજીપી પાસેથી સુરક્ષા વ્યવસ્થાની જરૂરી પુષ્ટી બાદ તેમનો કાફલો રોડ માર્ગે આગળ વધ્યો હતો.

રાષ્ટ્રીય શહીદ સ્મારકથી 30 દૂર મોદીનો કાફલો ફ્લાયઓવર પર પહોંચ્યો ત્યારે કેટલાંક પ્રદર્શનકારીઓએ રોડ બ્લોક કરી દીધો હતો. વડાપ્રધાનનો કાફલો 15થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર ફસાયો હતો. સુરક્ષાની આ ગંભીર ખામીને કારણે મોદીના કાફલાએ શહીદ સ્મારકની મુલાકાત વગર પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો. તેનાથી વડાપ્રધાન ફિરોઝપુર ખાતેની એક રેલીમાં પણ ભાગ લઈ શક્યા ન હતા.

વડાપ્રધાનની સુરક્ષામાં આવી બેદરકારી અસ્વીકાર્યઃ અમિત શાહ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ગંભીર ચૂકના મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. કોંગ્રેસના ટોચના નેતાઓએ દેશના લોકોની માફી માંગવી જોઇએ. શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાનની મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં આવી બેદરકારી સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને જવાબદારી નક્કી કરવી પડશે. અમિત શાહે જણાવ્યું હતું કે પંજાબમાં કોંગ્રેસ પ્રેરિત આજનો ઘટનાક્રમ આ પાર્ટી કેવું વિચારે છે અને કરે છે તેનું એક ટ્રેલર છે. લોકો દ્વારા વારંવાર જાકારો આપવામાં આવ્યો હોવાથી પાર્ટીએ પાગલપણાનો માર્ગ અપનાવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે પંજાબમાં વડાપ્રધાનની સુરક્ષામાં ગંભીર ચૂકને કારણે મોદીના કાફલાએ પરત આવવાનો નિર્ણય કર્યો હતો.

પીએમ મોદી પર હુમલાનું કોંગ્રસનું ષડયંત્રઃ ભાજપ

વડાપ્રધાન મોદીની સુરક્ષામાં બેદરકારીના મુદ્દે ભાજપે કોંગ્રેસ તરફ ચોતરફ હુમલા કર્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણીમાં વારંવાર હાર મળી હોવાથી કોંગ્રેસ વડાપ્રધાન પર શારીરિક હુમલા કરવા માગતી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ સવાલ કર્યો હતો કે વડાપ્રધાન મોતની અણી પર પહોચ્યાં તેનાથી કોંગ્રેસના નેતાઓ ખુશ છે? તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પંજાબની પવિત્ર ભૂમિ પર તેના ઘાતકી ઇરાદામાં નિષ્ફળ રહી છે. પોલીસ તંત્રને મોદીને સુરક્ષામાં ચૂક રાખીને વડાપ્રધાનને ઇજા કરવાની સૂચના આપવામાં આવી હતી.