Modi enjoyed a jungle safari in a tiger reserve in Karnataka
(ANI Photo)

ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂરા થવાના કાર્યક્રમોના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બાંદીપુર ટાઈગર રિઝર્વમાં જંગલ સફારીની મજા માણી હતી. ખાખી પેન્ટ, પ્રિન્ટેડ ટી-શર્ટ, બ્લેકહેટ સહિતના સફારી કપડા સાથેના અલગ અંદાજમાં મોદી ખુલ્લી જીપમાં ટાઇગર રિઝર્વમાં 20 કિમી ફર્યા હતા. આ ટાઇગર રિઝર્વ ચામરાજનગર જિલ્લાના ગુંડલુપેટ તાલુકામાં અને મૈસુર જિલ્લાના એચ.ડી.કોટે અને નંજનગુડ તાલુકામાં સ્થિત છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે  “નયનરમ્ય બાંદીપુર ટાઈગર રિઝર્વમાં સવાર વિતાવી અને ભારતના વન્યજીવન, કુદરતી સૌંદર્ય અને વિવિધતાની ઝલક મેળવી.”

મેલુકમનહલ્લી હેલિપેડ ખાતે આગમન સમયે પછી વડાપ્રધાને રોડ મારફત બાંદીપુર ખાતે વન વિભાગના સ્વાગત કેન્દ્રની મુસાફરી કરી હતી. તેમણે વન વિભાગની જીપમાં સફારી માટે રવાના થતાં પહેલાં નજીકના વન શહીદોના સ્મારકને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર સફારીની તસવીરો શેર કરી હતી, જેમાં તેઓ ખુલ્લી જીપમાં  કેમેરા અને દૂરબીન સાથે ઉભેલા જોઈ શકાય છે. તેમણે હાથી, લંગુર, સ્પોટેડ ડીયર અને જંગલી ભેંસોની તસવીરો પણ શેર કરી હતી.

આ રિઝર્વને 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ હેઠળ લાવવામાં આવ્યો હતો. બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેની ઉત્તરપશ્ચિમે કર્ણાટકનો રાજીવ ગાંધી નેશનલ પાર્ક, દક્ષિણમાં તમિલનાડુનો મુદુમલાઈ વન્યજીવ અભયારણ્ય અને દક્ષિણપશ્ચિમમાં વાયનાડ વન્યજીવ અભયારણ્ય છે. આ નેશનલ પાર્કમાં વાઘ અને હાથીઓ ઉપરાંત સ્લોથ રીંછ,  ભારતીય રોક અજગર, શિયાળ, મગર અને ચાર શિંગડાવાળા કાળિયાર જોવા મળે છે.

LEAVE A REPLY

seventeen + 9 =