મોઢેરાના પ્રખ્યાત સૂર્યમંદિર ખાતેના અદભૂત લાઇટ શોનો નજારો, મોદી 9 ઓક્ટોબરે તેનો શુભારંભ કરાવશે. (ANI Photo)

ગુજરાતમાં હવે ટૂંકસમયમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર, 9 ઓક્ટોબરથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યાં છે. મોદી આ મુલાકાત દરમિયાન ગુજરાતને રૂ.14500 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે.

રવિવારે બપોરે મોદી ગુજરાતમાં આવશે અને ત્યાંથી મોઢેરા જશે. મોઢેરા જઈને મોઢેશ્વરી માતાના દર્શન કરશે. અહીં પહોંચ્યા બાદ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ રૂ.4000 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. મોદી મોઢેરાને દેશના સૌપ્રથમ સોલાર વિલેજ તરીકે જાહેર કરશે. મોઢેરામાં વિશ્વ વિખ્યાત સૂર્યમંદિર આવેલું છે. અહીં મોદી થ્રીડી પ્રોજેક્શન એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરશે.

10 ઓક્ટોબરે મોદી ગાંધીનગરથી ભરુચ જવા રવાના થશે. ભરૂચમાં રૂ. 8000 કરોડના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ કરશે. આ પછી મોદી આણંદમાં પહોંચશે અને જાહેર સભાને સંબોધિત કરશે.

આણંદમાં જાહેરસભાને સંબોધિત કર્યા પછી તેઓ અમદાવાદ આવી પહોંચશે. અમદાવાદના ગોતા નજીક શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ કરશે. એ પછી તેઓ સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ જામનગર પહોંચશે. જામનગરમાં સૌની યોજના ફેઝ-2 સહિત રૂ. 8000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.

11 ઓક્ટોબરના રોજ જામનગરથી રાજકોટના જામકંડોરણા પહોંચશે. અહીં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ અમદાવાદ પરત ફરશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ રૂ.1300 કરોડના આરોગ્ય સુવિધાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. અમદાવાદમાં જાહેર જનતાને સંબોધિત કરશે. ગુજરાતનો પ્રવાસ પૂરો કરીને મોદી મહારાષ્ટ્રના ઉજ્જૈનમાં જશે અને મહાકાલની પૂજા કરશે.

મોઢેરા સૂર્ય મંદિરમાં 3D હેરિટેજ લાઇટિંગ શો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્ય મંદિરના પરિસરમાં સૌર ઊર્જા સંચાલિત હેરિટેજ લાઇટિંગ્સ અને 3D પ્રોજેક્શનનો શુભારંભ કરાવશે. મોઢેરાના ઈતિહાસને દર્શાવી પ્રવાસીઓને માહિતગાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ 3D પ્રોજેક્શન મેપિંગ તેમજ મોન્યુમેન્ટ લાઈટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ 3D પ્રોજેક્શનનો 18 મીનીટનો શો દરરોજ સાંજે 2 વાર ચલાવવામાં આવશે. આ ઉપરાંત હેરીટેજ લાઈટીંગને નિહાળવા લોકો સાંજે 6થી 10 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકશે અને લાઈટિંગના આ સુંદર નજારાને નિહાળી શકશે.
આ લાઈટિંગ એન્ડ સાઉન્ડ શો સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત થશે. પ્રોજેક્શન મેપિંગ અને લાઈટીંગ શો તેમજ 3D પ્રોજેક્શન મુલાકાતીઓને મોઢેરાના ઇતિહાસથી માહિતગાર કરાશે. દરરોજ સાંજે 7થી 7:30 વાગ્યા સુધી 3D પ્રોજેક્શન ઓપરેટ થશે અને 3D પ્રોજેક્શનનો 18 મિનિટનો શો દરરોજ સાંજે 2 વાર ચાલશે તેમજ સૂર્ય મંદિરના પરિસરમાં રોજ આકર્ષક હેરિટેજ લાઇટિંગ થશે.

મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અમદાવાદના અસારવામાં મંજુશ્રી મિલ્સ કમ્પાઉન્ડ ખાતે ભારતના સૌથી મોટા મલ્ટીપલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેનાથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર એક નવી સફરનો પ્રારંભ કરશે.
850 બેડની ક્ષમતા ધરાવતા આધુનિક સેન્ટરનું નિર્માણ રૂ. 408 કરોડના ખર્ચે કરાયું છે. મલ્ટીપલ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયાઓ હાથ ધરવા માટે અત્યાધુનિક ડાયગ્નોસ્ટિક અને ક્લિનિકલ સુવિધાઓથી સજ્જ છે. આ સેન્ટર પ્રી અને પોસ્ટ-ટ્રાન્સપ્લાન્ટ કેરની જરૂરિયાત ધરાવતા મોટી સંખ્યામાં દર્દીઓને સમાવી શકે છે.

વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ

મોદી વન ગુજરાત, વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ સમગ્ર ગુજરાતમાં 188 ડાયાલિસિસ સેન્ટર્સનું લોકાર્પણ કરશે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ તમામ 252 તાલુકામાં ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર (કિડની હોસ્પિટલ), અમદાવાદ અને ગુજરાત સરકારના સહયોગથી ગુજરાતના તમામ જિલ્લામાં આ ડાયાલિસિસ સેન્ટર્સને કાર્યરત, જાળવણી અને તજજ્ઞો તથા ટેક્નિશ્યનોની સેવા પુરી પાડશે.

LEAVE A REPLY

seventeen − 7 =