Narendra Modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર 15 ઓગસ્ટે નવી દિલ્હીના લાલ કિલ્લા પરથી 76માં સ્વતંત્રતા દિન નિમિતે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. (ANI Photo/PIB)

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્ર્ય દિને દેશમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર પર ત્રિરંગો લહેરાવ્યો હતો. સમગ્ર દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’માં ગળાડૂબ થઈ ગયો હતો. દેશવાસીઓના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃતિ લાવવા ભારત સરકારનું ત્રણ દિવસનું ‘હર ઘર તિરંગા’ અભિયાન શનિવારથી શરૂ થઈ ગયું હતું. દેશના મોટા નેતાઓ, બોલિવૂડ હસ્તીઓ, ઉદ્યોગપતિઓથી લઈને સામાન્ય માણસે આ અભિયાનમાં જોડાઈને પોતાના ઘરે તિરંગો ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલકિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું હતું. પરદેશમાં વસતા ભારતીયોએ પણ એકબીજાને ભારતના સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
લાલકિલ્લા પરથી મોદીનું સંબોધન

દિલ્હીમાં લાલ કિલ્લા પરથી દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. વડાપ્રધાન 2047 માટે જાહેર કરેલી પાંચ પ્રતિજ્ઞામાં તેને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો, કોઇપણ પ્રકારની ચાપલૂસી નાબૂદ કરવાની, ઐતિહાસિક વારસાને ગૌરવંતો બનાવવાની તથા આપણી ફરજોનું પાલન કરવાનો સમાવેશ થાય છે.

આ વખતે વડાપ્રધાન મોદીએ તિરંગો સાફો બાંધ્યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગ દેખાતા હતા.
દેશમાં ભ્રષ્ટાચાર તેમજ સગાવાદ સામે લડવાની નેમ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતું કે દેશ સામે અનેક પડકારો છે તો સામે તેના અનેક ઉપાયો પણ છે. તેમણે 130 કરોડ દેશવાસીઓના સામર્થ્યને લઈ આગળ વધવાની વાત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના 100 વર્ષ થાય ત્યાં સુધીમાં આપણા રાષ્ટ્રનાયકોએ જોયેલું એકપણ સપનું અધૂરું ના રહેવું જોઈએ.
ભારતની વિકાસ યાત્રામાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદને સૌથી મોટી અડચણ ગણાવતા મોદીએ કહ્યું હતું કે આ બંને દૂષણો આપણને ઉધઈની જેમ કોરી રહ્યા છે. એક તરફ એવા લોકો છે કે જેમની પાસે રહેવા જગ્યા નથી, બીજી તરફ એવા લોકો છે કે જેમની પાસે પોતાનો ચોરી કરેલો માલ મુકવા જગ્યા નથી.

આપણે દેશને વિકસિત કરવાની સાથે ગુલામીની માનસિકતામાંથી સંપૂર્ણપણે બહાર આવવાનું છે તેમજ આપણી વિરાસત પર ગર્વ કરીને આખાય દેશને એક તાંતણે બાંધી રાખીને આપણી ફરજોનું જવાબદારી પૂર્વક પાલન કરવાનું છે.
તેમણે નારીના સન્માનનો ઉલ્લેખ કરી નારીના અપમાન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈને કોઈ કારણથી આપણી અંદર એક વિકૃતિ આવી છે. આપણે બોલચાલ, વ્યવહાર, કેટલાક શબ્દોથી નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીને અપમાનિત કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખૂબ મોટી મૂડી બનવાનું છે.

અગાઉ રવિવારે સાંજે ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુર્મુએ તેમનું પ્રથમ રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું.
ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કર્યું હતું. તેમણે રાજ્યના પોલીસ વિભાગના કેટલાક કર્મચારીઓ માટે વિવિધ ભથ્થામાં વધારો કરવાની જાહેરાત પણ આ પ્રસંગે કરી હતી.

આ ઉપરાંત, અમેરિકામાં વોશિંગ્ટન ડીસી તથા કેટલાક રાજ્યો, યુકે સહિતના વિદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસો ખાતે પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક વિદેશી મહાનુભાવોએ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતવાસીઓને આ પ્રસંગે અભિનંદન આપ્યા હતા અને આઝાદીના 75 વર્ષમાં ભારતે વિવિધ ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિ, હાંસલ કરેલી ઉલ્લેખનિય સિદ્ધિઓ બદલ ભારતીય પ્રજા અને લોકશાહીને બિરદાવી હતી.
પંજાબમાં વાઘા સરહદે પડોશી દેશ પાકિસ્તાન અને ભારતના જવાનોએ પણ પરસ્પર અભિનંદન આપ્યા હતા અને એકબીજાને મીઠાઈ આપી એકબીજાના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.