Modi on 2-day Gujarat tour, launch of Rs.3400 crore projects in Surat
(ANI Photo)

ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે સુરતથી પોતાના કાર્યક્રમની શરુઆત કરી હતી. સુરતમાં મોદીએ રૂ.3400 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં રૂ.370 કરોડના મહત્વકાંક્ષી ડ્રીમ સિટી પ્રોજેક્ટ, રૂ.672 કરોડના સુરત પાણી પુરવઠા પ્રોજેક્ટ્સ, રૂ.890 કરોડ ડ્રેનેજ પ્રોજેક્ટ્સ, બાયોડાયવર્સિટી પાર્કનો સમાવેશ થાય છે.સુરતથી પોતાના પ્રવસાનો પ્રારંભ કરતા મોદીએ રોડશો કર્યો હતો, તેઓ ખૂલ્લી જીપમાં સીઆર પાટીલ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે જોવા મળ્યા હતા.

જનસભામાં સુરતને મિની હિન્દુસ્તાન ગણાવ્યું

સુરતમાં જનસભા સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, સુરત શહેર લોકોની એકતા અને જનભાગીદારીનું શાનદાર ઉદાહરણ છે. ભારતનો કોઈ પ્રદેશ એવો નહીં હોય કે જેના લોકો સુરતની ધરતી પર ના રહેતા હોય. એક પ્રકારે મિની હિન્દુસ્તાન છે સુરત શહેર, જેની સૌથી મોટી ખાસીયત છે તે શ્રમનું સમ્માન કરનારું શહેર છે. અહીં ટેલેન્ટની કદર થાય છે, પ્રગતિની આકાંક્ષા પૂરી થાય છે સુરતના જમણને યાદ કરતાં મોદીએ કહ્યું હતું કે નવરાત્રીમાં ઉપવાસ ચાલતા હોય ત્યારે અહીં આવવું થોડું મુશ્કેલ છે.

મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપની વાતો થતી હતી ત્યારે સુરતમાં પીપલ્સ, પબ્લિક, પ્રાઈવેટ પાર્ટનરશીપનું મોડેલ ધરાવતું હતું અને તે જ સુરતને વિશેષ બનાવે છે. એક સમયે સુરતમાં મહામારી અને પૂરના સંકટમાં અપપ્રચારને હવા આપવામાં આવતી હતી. પરંતુ આજે સુરતના લોકોએ શહેરને એક બ્રાન્ડ બનાવીને બતાવી દીધું છે. આજે દુનિયાના સૌથી ઝડપથી વિકસતા શહેરમાં સુરતનું નામ સામેલ છે, અને તેનો લાભ અહીંના દરેક વેપાર અને કારોબારને થઈ રહ્યો છે. આજે દેશના સૌથી સ્વચ્છ શહેરમાં સુરતનો ગર્વથી ઉલ્લેખ થાય છે.

36મા રાષ્ટ્રીય રમતોત્સવ ખુલ્લો મૂકશે

બે દિવસના પોતાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત 36મા રાષ્ટ્રીય રમતોત્સવને પણ ખુલ્લો મૂકવાના છે. આ કાર્યક્રમ દરમિયાન દેશના રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન મોદી અંબાજી જઈને મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવશે અને આરતી કરીને માતાના આશીર્વાદ લેશે.

સુરતના કાર્યક્રમો પૂર્ણ કરીને વડાપ્રધાન મોદી 2 વાગ્યે ભાવનગર પહોંચશે. અહીં તેઓ ત્રણ કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. વડાપ્રધાન ભાવનગરને 100 કરોડના ખર્ચે તૈયાર થયેલા સાયન્સ સેન્ટરની ભેટ આપશે. આ સિવાય 4000 કરોડના ખર્ચે તૈયાર થનારા વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલનું ખાતમુહૂર્ત કરવાના છે.ભાવનગરના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન મોદી 7 વાગ્યે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવી પહોંચશે. અહીં તેઓ રાષ્ટ્રીય રમતોત્સવ 2022નું ઉદ્ઘાટન કરવાના છે. અહીંથી તેઓ ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર પાસે આયોજિત વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્વસમાં હાજરી આપશે. અહીં તેઓ માતાજીની આરતી ઉતારવાના છે.

માતાજીના ઉપાસક અને નવરાત્રીમાં નક્કોરડા ઉપવાસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બરે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. આ દરમિયાન તેઓ ગાંધીનગર, અમદાવાદ અને અંબાજીની મુલાકાત લેવાના છે. સાંજે 4 વાગ્યે વડાપ્રધાન મોદી મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવીને પૂજા-આરતી કરશે.

LEAVE A REPLY

16 + ten =