વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટોકિયોમાં સોમવારે ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને મળ્યા હતા. (ANI Photo/PIB)

જાપાનમાં ક્વાડ નેતાઓની સમીટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવાર (21)એ ટોકિયો પહોંચ્યા હતા. અહીં ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય સમુદાયના લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયન કમ્યુનિટીના સભ્યોને ‘ભારત ચલો, ભારત સે જુડો’ કેમ્પેઇનમાં સામેલ થવા માટે હાકલ કરી હતી. વડાપ્રધાન મોદીએ ભારતમાં વિદેશી રોકાણ આકર્ષવા માટે જાપાનની 30થી વધુ દિગ્ગજ કંપનીઓના ટોચના એક્ઝિક્યુટિવ્સ અને સીઓઇને મળ્યા હતા.

મોદીએ આ પ્રસંગે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગવર્નન્સ, ગ્રીન ગ્રોથ અને ડિજિટલ ક્રાંતિના ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં તેમની સરકારે હાથ ધરેલા વિકાસ અને સુધારાના પગલાંને હાઇલાઇટ કર્યા હતા. મોદીએ ઇન્ડિયન કમ્યુનિટીને તેમની કુશળતા, ટેલેન્ટ, ઉદ્યોગસાહસિકતા અને માતૃભૂમિ સાથે જોડાણ માટે પ્રશંસા કરી હતી.

ભારત અને જાપાન વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબોધોનો ઉલ્લેખ કરતાં તેમણે સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટાગોરને યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે એક વાર કહ્યું હતું કે દરેક ભારતીયે તેમના જીવનમાં એકવાર જાપાનની મુલાકાત લેવી જોઇએ. આજે હું કહું છું કે દરેક જાપાનીએ તેમના જીવનમાં એકવાર ભારતની મુલાકાત લેવી જોઇએ.

તેમણે જણાવ્યું હતું કે હું જાપાન આવું છું તો દર વખતે જોવું છું કે તમારા સ્નેહમાં વધારો થાય છે. આપણે 21મી સદીમાં પણ ભારત અને જાપાન સાંસ્કૃતિ સંબંધોને આગળ વધારી રહ્યાં છીએ. હું કાશીનો સાંસદ છું. જ્યારે શિંજા આબે કાશી આવ્યા હતા તો તેમને રુદ્રાક્ષ આપ્યો હતો,  આ બાબત આપણને નજીક લાવે છે. તમે આ ઐતિહાસિક બંધનને વધુ મજબૂત બનાવી રહ્યાં છો.

વડાપ્રધાન મોદીએ ટોકિયામા હોટેલની બહાર ઊભેલા બાળકો સાથે વાતચીત કરી હતી. ભારતીય સમુદાયના લોકોએ હર હર મોદી, મોદી મોદી, વંદે માતરમ અને ભારત માતાની જયના નારા લગાવ્યા હતા.

ટોકિયામાં હોટેલની બહાર એક બાળક સાથે મોદીની વાતચીતની ખાસ નોંધ લેવાઈ હતી. આ બાળક ભારતીય ધ્વજનું પેઇન્ટિંગ લઇને મોદીની રાહ જોઇ રહ્યો હતો. વડાપ્રધાન હિન્દી ભાષાની જાણકારી માટે તેને પ્રશંસા કરી હતી અને પૂછ્યું હતું કે હિન્દી ક્યાંથી શીખ્યો? મોદી સાથે વાતચીત કરનારા આ ગ્રેડ-5ના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું વધારે હિન્દી બોલી શકતો નથી, પરંતુ હું સમજી શકું છે. પીએમએ મારો સંદેશ વાંચ્યો હતો અને મે તેના ઓટોગ્રાફ લીધા હતા.

વડાપ્રધાન મોદીએ ઇન્ડિયન ડાયાસ્પોરાનો અભાર માન્યો હતો અને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે જાપાનની ઇન્ડિયન કમ્યુનિટીએ વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વની પ્રેરણાદાયી ભૂમિકા ભજવી છે. તેઓ ભારતમાં તેમના મૂળિયા સાથે પણ જોડાયેલા રહ્યાં છે. ઉષ્માભર્યા સ્વાગત માટે હું જાપાનમાં ઇન્ડિયન ડાયાસ્પોરાનો આભાર માનું છું.

ક્વાડ શિખર બેઠકનો હેતુ સભ્યદેશો વચ્ચેના સહકારને વધુ વેગ આપવાનો તથા ઇન્ડો પેસિફિક રિજનની ગતિવિધિનો ચર્ચાવિચારણા કરવાનો છે. ક્વોડનો મુખ્ય હેતુ એશિયામાં ચીનની વધતી જતી લશ્કરી અને આર્થિક તાકાતને ખાળવાનો છે.

ટોકિયોમાં ક્વાડની બેઠકમાં વડાપ્રધાન મોદી 24મેએ અમેરિકાના પ્રમુખ જો બિડેન, જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત વડાપ્રધાન એન્થોની આલ્બેનિઝને મળશે. મોદી આ સમિટ ઉપરાંત આ તમામ નેતાઓ સાથે દ્વિપક્ષીય મીટિંગ પણ કરશે. ઉલ્લેખનીય છે કે ઈન્ડો-પેસિફિક રિજનમાં ખાસ કરીને ચીનની ગતિવિધિથી મોટાભાગના દેશો ત્રસ્ત છે. તેમાં પણ અમેરિકા સાથે મતભેદ વધી જવાને કારણે અમેરિકા ચીનને કાબૂમાં લેવા માટે ભારતને સહયોગ આપવા ઈચ્છે છે. મોદી બાઇડેન, કિશિડા અને આલ્બેનીઝ સાથે અલગ-અલગ બેઠકો પણ યોજાશે.