ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો. (PTI

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આઝાદીના 75માં વર્ષની ઉજવણી પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમથી દાંડીયાત્રને પ્રસ્થાન કરાવીને રાષ્ટ્રવ્યાપી આઝાદી કા અમૃત મહોત્સવનો શુક્રવારે પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં ચાલનારા આ મહોત્સવમાં ભાગ લેવા માટે દરેક ભારતીયને વડાપ્રધાન મોદીએ અનુરોધ કર્યો હતો.

દાંડીયાત્રાનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે, તેનો પ્રભાવ અને સંદેશ પણ એવો જ છે, જે આજે દેશ અમૃત મહોત્સવના માધ્યમથી લઈને આગળ વધી રહ્યો છે. આપણા દેશમાં મીઠાનું મૂલ્ય ક્યારેય તેની કિંમતથી આંકવામાં નથી આવ્યું. આપણે ત્યાં તેનો મતલબ છે વફાદારી, વિશ્વાસ અને વફાદારી. ગાંધીજી આ દર્દને સમજ્યા અને જન-જન સાથે સંકળાયેલી નાડીને પારખી અને જોતજોતામાં જ આ આંદોલન દરેક ભારતીયનું આંદોલન બની ગયું અને દરેક ભારતીયનો સંકલ્પ બની ગયો.

આ મહોત્સવનો હિસ્સો બનવા દરેક ભારતીયને અનુરોધ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે કલા-સાહિત્ય, નાટ્ય જગત, ફિલ્મ જગત અને ડિજિટલ એન્ટરટેઈન્મેન્ટટ સાથે સંકળાયેલા લોકો દેશના ભૂતકાળમાં વિખરાયેલી પડેલી અનેક વાર્તાને શોધીને તેમને જીવંત બનાવે.

કોરોના વેક્સિન અંગે તેમણે જણાવ્યું હતું કે, દુનિયા આજે ભારતની આત્મનિર્ભરતાનો લાભ ઉઠાવી રહી છે. આપણે દુનિયાના દેશોને વેક્સિન આપી રહ્યાં છીએ, દુનિયાના દેશો ભારતનો આભાર માને છે, આ આપણા ભવ્ય ભવિષ્યની આભા છે.

દેશ 75મા આઝાદી પર્વની ઉજવણી કરવા જઈ રહ્યો છે, ત્યારે દેશની ઉપલબ્ધીનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે આજે પણ દેશની ઉપલબ્ધીઓ માત્ર આપણી નથી, પરંતુ આખી દુનિયાને રોશની બતાવનારી છે, માનવતાની આશા જગાવનારી છે. ભારતની આત્મનિર્ભરતાથી ઓતપ્રોત આપણી વિકાસ યાત્રા આખી દુનિયાની વિકાસ યાત્રાને ગતિ આપનારી છે.

ગાંધી આશ્રમ ખાતેના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહાન સ્વાધિનતા સેનાનીઓને યાદ કર્યાં હતા તેમણે કહ્યું હતું કે આજે આઝાદીના અસંખ્ય બલિદાનોની ઉર્જા સમગ્ર ભારતમાં એક સાથે પુનર્જાગૃત થઈ રહી છે. દેશના સ્વાધિનતા સંગ્રામમાં પોતાની બલિદાન કરનારી વિભૂતિઓને નમન.