(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ સામેના પડકારોનો સામનો કરવા ભારત માટે અને ભારતમાંથી ઇનોવેશન કરવા માટે આહવાન કર્યું હતું. મોદીએ લાલ ફીતાશાહીમાંથી ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનને મુક્ત કરવા સરકારે લીધેલા પગલાં ગણાવ્યા હતા.

વીડિયો કોન્ફરન્સ મારફત સ્ટાર્ટ-અપ જગતના યુવાનો સાથે વાતચીત કરતાં વડાપ્રધાનને જણાવ્યું હતું કે આપણા સ્ટાર્ટ-અપ આમૂલ પરિવર્તન લાવી રહ્યાં છે. હું માનું છું કે સ્ટાર્ટ-અપ નવા ભારતની કરોડરજ્જુ બનશે. આપણે ભારત માટે ભારતમાંથી ઇનોવેશન કરવું જોઇએ. ભારતમાં 42 યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્યના સ્ટાર્ટ-અપ) સાથે આશરે 60,000 સ્ટાર્ટ-અપ છે.

સરકાર ત્રણ પાસાં પર ફોકસ કરી રહી છે. પ્રથમ પાસું સરકારી પ્રક્રિયાની જાળ અને લાલ ફીતાશાહીથી આંત્રેપ્રિન્શ્યોરશીપ અને ઇવોનેશનને મુક્ત કરવાનું છે. બીજું પાસું ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાકીય માળખાના સર્જન અને ત્રીજુ પાસુ યુવા ઇનોવેટર્સ અને યુવા ઉદ્યોગસાહસિકોને સંભાળપૂર્વકનું માર્ગદર્શન પૂરું પાડવાનું છે.

તાજેતરના વર્ષોની સફળતાઓનો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 28,000 પેટન્ટ મંજૂર થયા હતા, આની સામે 2013-14માં માત્ર 4,000 પેટન્ટ મંજૂર થયા હતા. 2013-14માં 70,000 ટ્રેડમાર્કના રજિસ્ટ્રેશનની સામે 2020-21માં 2.5 લાખ ટ્રેડમાર્કની નોંધણી થઈ હતી. એ જ રીતે 2013-14માં માત્ર 4,000 કોપીરાઇટ મંજૂર થયા હતા, આ સંખ્યા ગયા વર્ષે 16,000ને પાર કરી ગઈ હતી. દેશમાં ઇનોવેશન અંગેના પ્રોગ્રામને કારણે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતના રેન્કિંગમાં સુધારો થઈ રહ્યો છે. 2015માં આ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ 81 હતો, જે હવે 46મો છે.

મોદીએ જણાવ્યું હતું કે સ્ટાર્ટ-અપ માત્ર ઇનોવેશન નથી લાવતા, પરંતુ મોટા રોજગારી સર્જક બની રહ્યાં છે. 2022નું વર્ષ સ્ટાર્ટ-અપ માટે નવી તકો અને નવા માર્ગ લાવ્યું છે. 16 જાન્યુઆરીને હવે નેશનલ સ્ટાર્ટ-અપ ડે તરીકે ઉજવવામાં આવશે, જેથી સામાન્ય લોકો સુધી સ્ટાર્ટ-અપની ભાવના જાગે. ભંડોળની સરળ ઉપલબ્ધતાતથા નવ શ્રમ અને ત્રણ પર્યાવરણ કાયદાના અમલ માટે સ્વપ્રમાણપત્રની જરૂરિયાતથી સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે.

સ્ટાર્ટ-અપમાં વાર્ષિક રોકાણ વધી 36 બિલિયન ડોલર થયું

ભારતના સ્ટાર્ટ-અપમાં રોકાણકારો પુષ્કળ રસ દર્શાવી રહ્યાં છે અને છેલ્લાં એક વર્ષમાં સ્ટાર્ટ-અપમાં વાર્ષિક રોકાણ 11 અબજ ડોલરથી વધીને 36 અબજ ડોલર થયું છે. નેશનલ સ્ટાર્ટ-અપ એવોર્ડ સમારંભમાં ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગના સચિવ અનુરાગ જૈને જણાવ્યું હતું કે વિશ્વભરમાંથી ભારતમાં સ્ટાર્ટ-અપ આવતા રોકાણનો હિસ્સો અગાઉના 4 ટકાથી વધીને 6 ટકા થયો છે. આ પ્રસંગે વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સ્ટાર્ટ-અપને પ્રોત્સાહન આપવા માટે સરકારી નિયમોને સરળ બનાવવા માટે સૂચનો કરવાનો અનુરોધ કર્યો હતો.