. (PTI Photo))

ભારતના વડાપ્રધાન મોદીનો યુરોપ પ્રવાસ ૨૯મી ઑક્ટોબરથી શરૂ થશે અને બીજી નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે. આ સમયમાં તેઓ ૧૬મી જી-૨૦ની બેઠક અને COP-૨૬ની વર્લ્ડ લીડર્સ સમિટમાં હાજરી આપશે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. અમેરિકાના પ્રવાસની સફળતા પછી મોદીનો યુરોપ પ્રવાસ પણ સફળ રહેવાની શક્યતા છે. વડાપ્રધાન મોદી યુરોપના આ પ્રવાસ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ઈટાલીના વડાપ્રધાન મારિઓ ડ્રેઘીના આમંત્રણથી વડાપ્રધાન મોદી ૩૦-૩૧ ઑક્ટોબરે ૧૬મી જી-૨૦ બેઠકમાં ભાગ લેશે. ભારત સૌપ્રથમ વખત વર્ષ ૨૦૨૩માં જી-૨૦ સમિટનું આયોજન કરશે. જી-૨૦ સમિટમાં વૈશ્વિક નેતાઓ કોરોના મહામારીમાંથી બેઠા થવું, ક્લાઈમેટ ચેન્જ અને વૈશ્વિક ગરીબી અને વિશ્વના અનેક ભાગોમાં અસમાનતા જેવા પડકારજનક મુદ્દાઓ અને તેના ઉકેલો અંગે ચર્ચા કરશે. અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તતી સ્થિતિ અંગે પણ આ બેઠકમાં ચર્ચા થવાની અપેક્ષા છે.

જી-૨૦ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર માટેનું અગ્રણી વૈશ્વિક ફોરમ તરીકે ઊભરી આવ્યું છે. કોરોના મહામારીમાંથી સુધારા અને વૈશ્વિક સ્વાસ્થ્ય ગવર્નન્સની મજબૂતાઈના ક્ષેત્રો પર ધ્યાન રાખીને આ વખતે જી-૨૦ સમિટની થીમ ‘પીપલ, પ્લેનેટ, પ્રોસ્પેરિટી’ (લોકો, પૃથ્વી, સમૃદ્ધિ) છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી યુરોપના આ પ્રવાસ દરમિયાન ઈટાલીમાં ડ્રિઘે અને બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોન્સન સહિત કેટલાક દેશો સાથે દ્વિપક્ષીય બેઠકમાં પણ ભાગ લેશે. રોમથી મોદી પેરીસમાં ૩૧મી ઑક્ટોબરથી ૨ નવેમ્બર વચ્ચે ૨૬મી કોન્ફરન્સ ઓફ પાર્ટીસ (સીઓપી-૨૬)ની વર્લ્ડ લીડર્સ સમિટમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્રની આ બેઠકમાં ૧૨૦ દેશોથી વધુની સરકારોના વડા ભાગ લેશે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીઓપી-૨૬ દરમિયાન બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન સહિત કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર વધારવા પર ભાર મુકાશે.