(Getty Images)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકના વોશિંગ્ટનમાં આગામી સપ્તાહે યોજાનારી ક્વાડ દેશોની સમીટમાં હાજરી આપશે. અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતના બનેલા આ ક્વાડ ગ્રૂપની આ પ્રથમ રૂબરુ બેઠક છે અને તેમાં અફઘાનિસ્તાનની ગતિવિધી, કોરોના મહામારી તથા ઇન્ડો પેસિફિક વિસ્તારમાં મુક્ત અને વ્યાપક સહકારના મુદ્દાની ચર્ચા થશે.
મોદીની યાત્રાની જાહેરાત કરતાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમેરિકામાં જો બાઇડન પ્રેસિડન્ટ બન્યા પછીથી અમેરિકાની પ્રથમ મુલાકાતમાં વડાપ્રધાન મોદી વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે ક્વાડ સમીટમાં હાજરી આપશે અને 25 સપ્ટેમ્બરે ન્યૂ યોર્કમાં યુએન સામાન્ય સભાના 76માં સેશનમાં સંબોધન કરશે.

25 સપ્ટેમ્બરે યુએન સામાન્ય સભાના 76માં સેશનમાં સંબોધન કરશે

મોદી પ્રેસિડન્ટ જો બાઇડન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્ટોક મોરિસન સાથે અલગ-અલગથી દ્વિપક્ષીય મંત્રણા પણ કરે તેવી શક્યતા છે. મોદી અને બાઇડન વચ્ચે 23 સપ્ટેમ્બરે વ્હાઉસ હાઉસમાં બેઠક યોજવાની ધારણા છે. બંને નેતાઓ જાન્યુઆરીમાં બાઇડન પ્રેસિડન્ટ બન્યા પછી વર્ચ્યુઅલ વાતચીત કરી છે, પરંતુ રૂબરુમાં મુલાકાત થઈ નથી. અગાઉ મોદીએ સપ્ટેમ્બર 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. તે સમયે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ હતા.
વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં ક્વોડ્રિલેટર ફ્રેમવર્કના નેતાઓની સમીટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, જાપાનના વડાપ્રધાન યોશિહિડે સુગા અને અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપશે.
ક્વોડ દેશોની પ્રથમ વર્ચ્યુઅલ સમીટ 12 માર્ચે યોજાઈ હતી અને પ્રાદેશિક મુદ્દાની ચર્ચા થઈ હતી. ક્વાડ નેતાઓ આગામી બેઠકમાં આ મુદ્દામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.
છેલ્લાં છ મહિનામાં મોદીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. તે મહામારીના પ્રારંભ પછીની મોદીની બીજી વિદેશ યાત્રા છે. અમેરિકા ક્વોડ દેશોના વડાની બેઠકનું આયોજન કરી રહ્યું છે. ઇન્ડો સ્પેસિફક રિજનમાં ચીનના વધતા જતાં પ્રભાવ વચ્ચે ક્વાડા દેશોના નેતાઓ તેમની વચ્ચેના સહકારની વેગ આપવાની ચર્ચા કરશે.