PM Narendra Modi
. (ANI Photo)

ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભાની ચૂંટણીઓમાં પક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદી જ રહેશે એવી જાહેરાત કરીને આ મુદ્દે ચાલી રહેલા કેટલાક અટકળો – અનુમાનો ઉપર પૂર્ણવિરામ મુકી દીધો હતો. રવિવારે બિહારના પાટનગર પટણામાં ભાજપના વિવિધ મોરચાઓની રાષ્ટ્રીય કારોબારીની બેઠકના સમાપન પ્રસંગે સંબોધનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આ જાહેરાત કરી હતી. બિહારમાં ભાજપ અને જેડીયુ વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી રહ્યાના અનુમાનો પણ ફગાવી દેતા હોય તે રીતે, અમિત શાહે કહ્યું હતું કે 2025ની બિહાર વિધાનસભાની ચૂંટણી પણ ભાજપ અને જેડીયુ સંયુક્ત રીતે, મુખ્ય પ્રધાન નીતિશ કુમારની આગેવાની હેઠળ જ લડશે.

ભાજપના વિવિધ મોરચાઓની કારોબારીની બે દિવસની બેઠકના અંતિમ દિવસે રવિવારે અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં નરેન્દ્ર મોદીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ પણ દર્શાવાયો હતો. લોકસભાની આગામી ચૂંટણીમાં એનડીએ વધુ બહુમતી સાથે વિજયી રહેશે એવો વિશ્વાસ દર્શાવાયો હતો.

ભાજપની સાત પાંખોની સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રીય કારોબારી બેઠકના સમાપન સમારંભમાં અમિત શાહે દાવો કર્યો કે ભાજપ હાલમાં તેની પાસે છે તેના કરતાં વધુ બેઠકો હાંસલ કરશે. બિહારમાં જેડીયુ સાથે ભાજપના સંબંધો અંગે પણ સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, ૨૦૨૫ની વિધાનસભા ચૂંટણી મુખ્યપ્રધાન નીતિશ કુમારના નેતૃત્વમાં જ લડાશે. અમિત શાહે દલીતો, આદિવાસીઓ અને ઓબીસી જેવા નબળા વર્ગોને પીએમ મોદીના રાજકીય પીઠબળ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા બૂથ સ્તરે કામ કરવા કાર્યકરોને જણાવ્યું હતું. શાહે ભારપૂર્વક કહ્યું કે ભાજપ સમાજના બધા જ વર્ગોના હિતોનું પ્રતિનિધિત્વ કરવામાં માને છે. પીએમ મોદીના કારણે સમાજના અતિ પછાત વર્ગને પણ સમાજમાં સન્માનનીય સ્થાન મળી રહ્યું છે.

જ્ઞાન ભવનના અટલ પરિસરમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે કહ્યું કે, અમિત શાહે અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને ૯મીથી ૧૨મી ઑગસ્ટના ચાર દિવસ પક્ષને સમર્પિત કરી કામ કરવા જણાવ્યું હતું. કાર્યકરોને ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવા અને પીએમ મોદીને સતત ત્રીજી વખત સત્તા પર લાવવા, વધુ બેઠકો જીતાડવા માટે કામ કરવા જણાવાયું હતું. કાર્યકરોને ગઈ વખત કરતાં વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય અપાયું છે. ભાજપે ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦૦થી વધુ બેઠકો પ્રાપ્ત કરી હતી.

૨૦૨૫ સુધી નીતિશ કુમાર જ બિહારના મુખ્યપ્રધાન રહેશે. અરુણ સિંહે મોરચાના રાષ્ટ્રીય પદાધિકારીઓને કહ્યું હતું કે બિહારમાં એનડીએના સાથી પક્ષોમાં પરસ્પર ખૂબ જ પ્રેમ અને એકતા છે. ભાજપ ગઠબંધન ધર્મનું પાલન કરે છે અને ગઠબંધનના સાથીઓને હંમેશા સન્માન આપે છે. ગઠબંધનમાં પરસ્પર કોઈ ખેંચતાણ નથી. અમે બધા એક સાથે છીએ અને પરસ્પર સાથે મળીને આગામી ચૂંટણી લડીશું. અરુણ સિંહે જણાવ્યું કે, અમિત શાહે યુવાન, ખેડૂત, મહિલા, પછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીને સંબોધન કર્યું હતું.