Modi's election campaign in Surat, Saurashtra
ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થકો રવિવારે અમરેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત 'વિજય સંકલ્પ સંમેલન' માં હાજરી આપી હતી. (ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં બે દિવસ સુરત જિલ્લા અને સૌરાષ્ટ્રમાં વિવિધ જનસભાઓને સંબોધીને ભાજપના ચૂંટણીપ્રચારની આગેવાની લઈ રહ્યાં છે. મોદી સૌરાષ્ટ્રથી સુરત સુધી રાજ્યભરમાં ઓછામાં ઓછા આઠ કાર્યક્રમોમાં ભાગ લે તેવી શક્યતા છે.

20 નવેમ્બરે મોદીએ સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ તેમણે મોદીએ વેરાવળ, ધોરારજી, અમરેલી અને બોટાદ ખાતે ચાર રેલીઓને સંબોધી હતી. આ તમામ સૌરાષ્ટ્ર વિસ્તારમાં છે. આવતીકાલે મોદી સુરેન્દ્રનગર, ભરૂચ અને નવસારીમાં ત્રણ રેલીઓ કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગીર સોમનાથ જિલ્લાના લોકોને તમામ મતદાન મથકો પર સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને વિજયી બનાવવા અપીલ કરી હતી. સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ વેરાવળ શહેરમાં રેલીને સંબોધતા મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને અગાઉના તમામ મતદાન રેકોર્ડ તોડવા માટે પણ વિનંતી કરી હતી. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. મોદીએ કહ્યું કે રાજ્યમાં વારંવાર દુષ્કાળ જેવા વિવિધ કારણોને લીધે ભૂતકાળમાં ઘણા લોકો દ્વારા ગુજરાતની ટીકા કરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેણે પ્રગતિ કરી છે.

મોદીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર ઉત્તર ભારતનો સામાન આપણા બંદરો દ્વારા વિશ્વમાં પહોંચે છે. આ બંદરો ભારતની સમૃદ્ધિના દરવાજા બની ગયા છે. ઉલ્લેખનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકો તાલાલા, ઉના, કોડીનાર અને સોમનાથ પર જીત મેળવી હતી. વડાપ્રધાન રવિવારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં ભાજપના ચાર ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.

વડાપ્રધાને જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં હું ઈચ્છું છું કે લોકો મતદાનના દિવસે પોત-પોતાના મતદાન મથકો પર મોટી સંખ્યામાં આવે અને મતદાનના અગાઉના તમામ રેકોર્ડ તોડે. હું એમ નથી કહેતો કે તમે માત્ર ભાજપને જ મત આપો. લોકશાહીના આ ઉત્સવમાં દરેક નાગરિક સહભાગી બને તેની ખાતરી કરો. આ મારી સૌને અપીલ છે.

મોદીએ શનિવારે સાંજે વાપીમાં રોડ શો કર્યો હતો. આ ઉપરાંત તેમણે વલસાડમાં જનસભાને સંબોધી હતી. મોદીએ તેમનું સ્વાગત કરવા પહોંચેલા સમર્થકોની ભીડનું અભિવાદન ઝીળ્યું અને કહ્યું કે અમે લોકોના સેવક છીએ. તેમણે ભાજપ સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સંબોધન દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું ગુજરાતીઓને બદનામ કરનારાઓનું ગુજરાતમાં કોઇ સ્થાન હોઇ શકે નહીં.

LEAVE A REPLY

three × three =