Bhagwat
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત (Photo by STR/AFP via Getty Images)

નાગરિક્તા સુધારા કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (એનઆરસી)ને હિન્દુ-મુસ્લિમોના વિભાજન સાથે કોઈ લેવા દેવા નથી. રાજકીય લાભ મેળવવા માટે આ મુદ્દાઓને કોમવાદી બનાવી દેવામાં આવ્યા છે, એમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવવતે બુધવારે જણાવ્યું હતું. સીએએથી દેશના કોઈ મુસ્લિમને કોઈ નુકસાન નહીં થાય. સીએએ-એનઆરસીથી દેશના કોઈ નાગરિકને કોઈ લેવા દેવા નથી. આ મુદ્દાઓ અંગે લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.

આસામની બે દિવસની મુલાકાતે આવેલા ભાગવતે જણાવ્યું ભારપૂર્વક જણાવ્યું હતું કે, નાગરિકતા કાયદાના કારણે દેશના કોઈ મુસ્લિમને કોઈ નુકસાન થવાનું નથી. સ્વતંત્રતા પછી દેશના પ્રથમ વડાપ્રધાને આશ્વાસન આપ્યું હતું કે, લઘુમતીઓની સંભાળ રખાશે અને તે કામ અત્યાર સુધી થઈ રહ્યું છે. અમે પણ તે કામ ચાલુ રાખીશું. જોકે, પાકિસ્તાને લઘુમતીઓનું ધ્યાન રાખ્યું નથી. આ સાથે ભાગવતે ‘સિટિઝનશીપ ડીબેટ ઓવર એનારસી એન્ડ સીએએ-આસામ એન્ડ પોલિટીક્સ ઓફ હિસ્ટ્રી’ નામના પુસ્તકનું અનાવરણ કર્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે વર્ષ ૧૯૩૦ પછી દેશમાં યોજનાબદ્ધ રીતે મુસ્લિમોની સંખ્યા વધારવાના પ્રયાસ થયા છે. આ પાછળ એવો વિચાર હતો કે જનસંખ્યા વધારીને તેઓ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી શકશે અને પછી આ દેશને પાકિસ્તાન બનાવી દેશે. આ વિચાર પંજાબ, સિંધ, આસામ અને બંગાળ અંગે હતો. કેટલાક પ્રમાણમાં તે સાચું પણ સાબિત થયું. ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન બની ગયું.