વિશ્વના વિવિધ દેશોમાં મંકીપોક્સના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શુક્રવારે જણાવ્યું હતું કે 20 કરતાં વધુ દેશોમાં મંકીપોક્સના આશરે 200 કેસો નોંધાયા છે. આવા અસાધારણ રોગનો આવા ફેલાવો સામાન્ય રીતે થતો નથી. જોકે આ રોગચાળો અંકુશમાં લઈ શકાય તેવો છે. WHOએ મર્યાદિત વેક્સિન અને દવાનો વિશ્વભરમાં સમાન રીતે ઉપલબ્ધ કરવાની પણ દરખાસ્ત કરી છે. શુક્રવારે યુએન હેલ્થ એજન્સીએ પબ્લિક બ્રિફિંગમાં જણાવ્યું હતું કે હાલનો આ રોગચાળો કેવી રીતે ફેલાયો તેના ઘણા પ્રશ્નોના જવાબ હજુ મળ્યા નથી. જોકે આ વાઇરસના જેનેટિકમાં ફેરફારના તેના અસાધારણ ફેલાવામાં જવાબદાર હોય તેવા પુરાવા મળ્યા નથી.