વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમે તાજેતરમાં જણાવ્યું હતું કે યુરોપ અને અમેરિકા મંકીપોક્સના પ્રકોપથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે.
મંકીપોક્સ સામે ચેતવણી આપતાં તેમણે જણાવ્યું હતું કે, આ બંને પ્રદેશોમાં 95 ટકા કેસ નોંધાયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 78 દેશોમાં મંકીપોક્સના 18 હજારથી વધુ કેસો નોંધાયા છે. જેમાં 70 ટકાથી વધુ કેસ યુરોપિયન દેશોમાં 25 ટકા કેસ અમેરિકામાં છે.
આ નોંધાયેલા કેસોમાંથી 98 ટકા એવા પુરુષોના છે જેમના શારીરિક સંબંધો પુરુષ સાથે જ છે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કલંક અને ભેદભાવ ‘કોઈપણ વાઇરસ જેટલો ખતરનાક હોઈ શકે છે અને તે મહામારીને પ્રસરાવે છે. જે રીતે આપણે COVID-19 અંગેની ખોટી માહિતી જોઇ છે, તે ઝડપથી ઓનલાઇન ફેલાઈ શકે છે. તેથી અમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ટેક કંપનીઓ અને સમાચાર સંસ્થાઓને નુકસાનકારક માહિતીને અટકાવવા અને તેનો પડકારવા માટે અમારી સાથે કામ કરવા અનુરોધ કરીએ છીએ.’
ગત શનિવારે, WHO એ અધિકૃત રીતે મંકીપોક્સને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાહેર આરોગ્ય સંકટ (PHEIC) જાહેર કર્યું હતું. PHEIC એ સૌથી અંતિમ કક્ષાની ચેતવણી છે જે યુનાઇટેડ નેશન્સની (UN) આરોગ્ય સંસ્થા આપી શકે છે.
WHO દ્વારા આ સંક્રમણને રોકવા અને અશક્ત લોકોને સુરક્ષિત રાખવા માટે જરૂરી પગલાં લઈને મંકીપોક્સના પ્રકોપને ગંભીરતાથી લેવા દેશોને વિનંતી કરવામાં આવી રહી છે.
‘જે પુરુષો વચ્ચે શારીરિક સંબંધ છે તેમણે આ સમયે તમારા સેક્સ્યુઅલ પાર્ટનરની સંખ્યા ઘટાડવા, નવા પાર્ટનર સાથે આવા સંબંધો બાંધવા અંગે ફરીથી વિચારવાની જરૂર છે, તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ દરમિયાન, કેનેડા, યુરોપિયન યુનિયન અને અમેરિકાએ મંકીપોક્સને રોકવા માટે MVA-BN (મોડિફાઇડ વેક્સિનિયા અંકારા- બવારીઅન નોર્ડિક) નામની રસીને મંજૂરી આપી છે, જ્યારે અન્ય બે રસીઓનું પણ ટેસ્ટીંગ થઇ રહ્યું છે. જોકે, રસીની અસરકારકતા અને ડોઝ અંગેની માહિતીના અભાવને કારણે, WHO અત્યારે મંકીપોક્સ સામે સામુહિક રસીકરણની ભલામણ કરતું નથી. WHOએ વિનંતી કરે છે કે, જે દેશો આવી રસીઓ આપી રહ્યા છે, તેઓ તેની અસરકારકતાની માહિતી એકત્ર કરે અને સંબંધિત એજન્સીઓ સુધી પહોંચાડે.