ગુજરાતમાં ચાલુ વર્ષે મેઘરાજાએ મોડી વિદાય લીધી છે. પરંતુ પાછોતારા વરસાદથી દુષ્કાળની ભીતી દૂર થઈ છે. આ વખતે ચોમાસાની સીઝનમાં સરેરાશ 96.37% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સારા પ્રમાણમાં વરસાદ થયો હતો.

ચાલુ વર્ષે ગુજરાતમાં થયેલા વરસાદમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 166% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 71.92% વરસાદ થયો છે. મધ્યગુજરાતમાં સીઝનનો 84% વરસાદ થયો છે. કચ્છમાં 112 જેટલો વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બર મહિનામાં જ રાજ્યમાં 17 ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્રમાં થયેલા ભારેથી અતિભારે વરસાદમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકા (143.57%), જામનગર (140%), રાજકોટ (135%), જૂનાગઢ (130%) અને પોરબંદર (125%) નોંધાયો છે. રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં થયેલા સારા વરસાદના કારણે નદી, નાળા અને ડેમોમાં નવા નીર આવ્યા છે, સપ્ટેમ્બર પહેલા વરસાદ અટકી જતા દુષ્કાળની ભીતી સેવાઈ રહી હતી, જોકે, વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. સારો વરસાદ થતા નર્મદા સહિતના ડેમમાં નવા નીરની આવક થઈ છે.