વિશ્વવિખ્યાત રામકથાકાર પૂજ્ય મોરારિબાપુએ આજની કોરોના રોગચાળાની કપરી પરિસ્થિતિમાં ગયા સપ્તાહે સૌરાષ્ટ્રના રાજુલામાં યોજાયેલી રામકથા દરમિયાન દર્દીઓ માટે રૂ. 1 કરોડના દાનની જાહેરાત કરી હતી. જે રકમ ઓક્સિજન, ઇંજેક્શન, બેડ, દવા કે ડૉક્ટરની સેવા માટે વાપરવામાં આવશે.

અમરેલી જિલ્લાના રાજુલામાં મહાત્મા આરોગ્ય મંદિર હોસ્પિટલ અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના લાભાર્થે પૂ. મોરારિબાપૂની આ રામ કથા ગત વર્ષે યોજાઇ હતી. પરંતુ ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ નોંધાતા કથાને ત્રીજા દિવસે વિરામ આપ્યો હતો. આ વર્ષે ફરીવાર બાપુએ તા. 20 એપ્રિલે કોરોનાનું સંક્રમણ વધતા આ કથાનો શ્રોતા વગર જ પ્રારંભ કર્યો હતો. જેને શ્રોતાએ ઓનલાઇન અને ટીવી પર ઘરેથી નિહાળી રહ્યા છે.

હાલમાં મહુવાના તમામ કોરોના દર્દીઓ માટે ભોજન વ્યવસ્થા પૂ. બાપુના ચિત્રકુટધામ, તલગાજરડા દ્વારા થઇ રહી છે. ચિત્રકુટધામ, તલગાજરડાની હનુમંત પ્રસાદી રૂપે વ્યાસપીઠ અને વ્યાસપીઠની સાથે સંલગ્ન સેવાકર્મીઓ તરફથી પાંચ લાખની વિત્તીય સેવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જ્યારે બાકીના ૯૫ લાખ રૂપિયા આગામી દિવસોમાં વિત્તજા સેવા રૂપે મળશે. તે એક કરોડ રૂપિયા સરખા ભાગે ચાર તાલુકા – રાજુલા, મહુવા, સાવરકુંડલા અને તળાજામાં કોરોના રોગચાળાથી ગ્રસ્ત લોકો માટે જરૂરીયાત હશે એ પ્રમાણે યથાયોગ્ય રીતે વાપરવામાં આવશે.

પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે ‘’આપણે આપણાં સ્તરેથી જે કાંઈ કરી શકતા હોઈએ, એ કરી છૂટવાના ભાવના રાખવી જોઇએ.’’ જેને ચરિતાર્થ કરતા પૂજ્ય બાપુએ અશ્રુપૂર્ણ શબ્દોમાં વ્યાસપીઠની રચનાત્મક સેવાની જાહેરાત કરી હતી.

યુકેમાં રહેતા પૂ. બાપુના અનુયાયીઓ દ્વારા પણ સખાવતની બાંહેધરી આપવામાં આવી છે જેની વધુ વિગતના રાહ જોવાઇ રહી છે.