(ANI Photo)

ભારત સરકારે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાની મિશનરીઝ ઓફ ચેરિટીનું વિદેશી ડોનેશન મેળવવાનું લાઇસન્સ ગયા સપ્તાહે (1 જાન્યુઆરી) ફરી મંજૂર કર્યું હતું. આશરે બે સપ્તાહ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રાલયે કોલકતા ખાતેની આ સંસ્થાનું એફસીઆરએ લાઇસન્સ રીન્યૂ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં એનજીઓ માટે વિદેશી ફંડ મેળવવા માટે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એકટ હેઠળ એફસીઆરએ લાઇસન્સ લેવું ફરજિયાત છે.

આ લાઇસન્સ રદ થવાથી સંસ્થા માટે વિદેશી દાન મેળવવાનું અને તેના આશરે 250 એકાઉન્ટમાં પડેલા ફંડનો ઉપયોગ કરવાનું મુશ્કેલ બન્યું હતું. મિશનરી ભારતમાં અનાથ, દરિદ્ર, પીડિત લોકો માટે દાયકાઓથી સેવાકાર્ય કરે છે. ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટની વેબસાઇટમાં આ લાઇસન્સ ફરી મંજૂર કરાયાની માહિતી અપાઈ હતી.
મધર ટેરેસાની મિશનરી ઓફ ચેરિટીઝનું લાઇસન્સ રીન્યૂ નહીં કરાતાં ભારતમાં મોટો વિવાદ ઊભો થયો હતો.
કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિતના પક્ષોએ સરકારની આકરી ટીકા કરી હતી. વડાપ્રધાન મોદી પર આડતરો પ્રહાર કરતાં તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે અનુકંપાની શક્તિ 56 ઇંચની તાકાત કરતાં વધુ પ્રબળ છે.