વડા પ્રધાન બોરીસ જોન્સન જૂઠ્ઠા છે અને “ગૃહ અને દેશમાં વારંવાર જૂઠ્ઠું બોલ્યા છે’’ તેવો આરોપ પાછો ખેંચવાનો ઇનકાર કર્યા પછી લેબર સાંસદ ડૉન બટલરને હાઉસ ઑફ કૉમન્સ ચેમ્બર છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સંસદીય નિયમો હેઠળ, સાંસદોને હાઉસ ઑફ કૉમન્સમાં એકબીજા પર જુઠ્ઠુ બોલતા હોવાનો, અપશબ્દો બોલવાનો કે બીજા સાંસદ નશામાં છે તેવું કહેવાની મંજૂરી નથી.

કાર્યકારી ડેપ્યુટી સ્પીકર જુડિથ કમિન્સે સાંસદ ડૉન બટલરને તેમની ટિપ્પણી પાછી ખેંચી લેવા જણાવ્યું હતું પરંતુ બટલરે તેમ કરવાની ના પાડી હતી. જેને પગલે બટલરને ત્યાંથી ચાલ્યા જવાનો આદેશ કરાયો હતો.

હાઉસ ઑફ કૉમન્સમાં અંતિમ ચર્ચા દરમિયાન બ્રેન્ટ સેન્ટ્રલના સાંસદ બટલરે વડા પ્રધાનની અપ્રમાણિકતાના પુરાવા તરીકે આર્થિક વૃદ્ધિ, નર્સોના ભંડોળ અને એનએચએસમાં રોકાણ અંગેના ભૂતકાળનાં નિવેદનો ટાંકી રોગચાળા દરમિયાન વડા પ્રધાને “આ ગૃહને ગેરમાર્ગે દોર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.

કાર્યકારી ડેપ્યુટી સ્પીકરે બટલરને રોક્યા હતા અને તેમના શબ્દો પર ધ્યાન આપવાનું કહી રેકોર્ડ સુધારવા કહ્યું હતું. પરંતુ શ્રીમતી બટલરે જવાબ આપ્યો હતો કે “વડા પ્રધાન આ ગૃહમાં વારંવાર જુઠ્ઠુ બોલ્યા છે અને હાસ્યાસ્પદ છે કે જૂઠ બોલનારને બદલે આપણે જૂઠ્ઠું બોલનાર વ્યક્તિને જ્ઠ્ઠા કહેવા પર આ જગ્યાએ મુશ્કેલીમાં મુકાઇએ છીએ.”

શ્રીમતી કમિન્સે ફરીથી સાંસદને તેમની ટિપ્પણીઓ પરત લેવાની વિનંતી કરી હતી પરંતુ શ્રીમતી બટલરે કહ્યું હતું કે “મેં મારા શબ્દો પર પ્રતિબિંબિત કર્યા છે અને કોઈએ આ ગૃહમાં સત્ય કહેવાની જરૂર છે કે વડા પ્રધાન ખોટું બોલ્યા છે.”

ત્યારબાદ ડેપ્યુટી સ્પીકરે બટલરને આખા દિવસની બેઠક માટે કૉમન્સમાંથી પાછા ખેંચી લેવા આદેશ આપ્યો હતો. જેને પગલે તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા હતા. ડાઉનિંગ સ્ટ્રીટે હજી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી.

બટલરે તે પછી આ અંગે કરેલા ટ્વીટનો લેબરના નાયબ નેતા એન્જેલા રેનરે બચાવ કર્યો હતો.