Mukesh Ambani's younger son Anant Ambani-Radhika Merchant engagement
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે

ગુજરાતના બિલિયોનેર ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટના પુત્રી રાધિકા મર્ચન્ટને પરણશે તેવી જાહેરાત અંબાણી પરિવારે ગુરુવારે કરી હતી. જોકે અંબાણી પરિવારે જારી કરેલા એક નિવેદનમાં અનંત અને રાધિકાના લગ્ન ક્યારે થશે તે અંગે જાહેરાત કરાઇ નથી.

રાજસ્થાનના નાથદ્વારામાં શ્રીનાથજી મંદિર ખાતે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં બન્નેની સગાઇની વિધિ યોજવામાં આવી હતી. બંનેએ શ્રીનાથજીના આશીર્વાદ મેળવવા મંદિરમાં આખો દિવસ વિતાવ્યો હતો અને મંદિરમાં પરંપરાગત રાજભોગ-શ્રૃંગાર સમારોહમાં ભાગ લીધો હતો.

નિવેદનમાં ઉમેરાયું છે કે અનંત અને રાધિકા છેલ્લાં થોડાક વર્ષોથી એકબીજાને ઓળખે છે અને આજની સેરેમની તેમના આગામી મહિનાઓમાં થનારા લગ્નના સફરની એક વિધિસરની શરૂઆત છે.

અનંતે યુ.એસ.એ.ની બ્રાઉન યુનિવર્સિટીમાંથી તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બોર્ડમાં સભ્ય સહિત વિવિધ પદો પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં સેવા આપી રહ્યા છે. તેઓ હાલમાં RILના એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરે છે. રાધિકા ન્યુયોર્ક યુનિવર્સિટીની સ્નાતક છે અને એન્કોર હેલ્થકેરમાં બોર્ડ ઓફ ડિરેક્ટર તરીકે સેવા આપે છે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે. જેમાં ટ્વિન્સ આકાશ અને પુત્રી ઇશા ઉપરાંત સૌથી નાના પુત્ર અનંતનો સમાવેશ થાય છે. તેમના પુત્રી ઇશાએ પિરામલ જૂથના આનંદ પિરામલ સાથે ડિસેમ્બર 2018માં લગ્ન કર્યા હતા. તેઓ ગત મહિને જ આદ્ય અને કૃષ્ણા નામના બે ટ્વિન્સના માતા-પિતા બન્યા હતા. મોટા પુત્ર આકાશના લગ્ન હીરા કારોબારી રસેલ મહેતાના પુત્રી શ્લોકા સાથે માર્ચ 2019માં લગ્ન થયા હતા. તેમને પૃથ્વી નામનો બે વર્ષનો પુત્ર છે. મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતાએ આ વર્ષે જૂનમાં મુંબઇના જિઓ વર્લ્ડ સેન્ટર ખાતે રાધિકા માટે વિશાળ ‘આરંગેત્રમ’ સેરેમનીનું આયોજન કર્યું હતું. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ એન્કોર હેલ્થકેરના સીઇઓ છે. તેમની માતાનું નામ શૈલા મર્ચન્ટ છે.

LEAVE A REPLY

16 + 19 =