ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાથી થોડે દૂર બુધવારની સાંજે એક શંકાસ્પદ કાર મળી આવ્યા બાદ સુરક્ષા વ્યવસ્થામાં વધારો થયો હતો. (PTI Photo)

ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાથી થોડે દૂર બુધવારની સાંજે એક શંકાસ્પદ કાર મળવાથી ખળભળાટ મચી ગયો હતો. સિલ્વર કલરની સ્કોર્પિયો કારમાંથી 20 જિલેટિન સ્ટીક્સ મળી આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે કારના માલિકને ટ્રેસ કરવામાં આવ્યો છે. આ કારની તાજેતરમાં ચોરી થઈ હતી. કારમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને તેમની પત્નીને નીતા અંબાણીને સંબોધીને લખેલી એક ચિઠ્ઠી મળી છે. માસ્ક અને હૂડી પહેરેલા એક વ્યક્તિએ આ કાર પાર્ક કરી હોવાનુ માનવામાં આવે છે.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જણાવ્યું હતું કે, મુંબઈમાં મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર એક સ્કોર્પિયો કાર જપ્ત કરાઈ છે. આ કારમાં જિલેટિન મળ્યું છે. તેની તપાસ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવાઈ છે. જે પણ હકીકત હશે તે તપાસમાં જલદી જ બહાર આવશે. મુકેશ અંબાણી એન્ટિલિયા નામના 27 માળના વિશાળ મકાનમાં રહે છે.