હૈદરાબાદમાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર દલિત યુવકની જાહેરમાં હત્યા કરાઈ હતી. નાગરાજૂ નામના યુવકને તેના સાળાએ લોખંડના સળિયા અન ચપ્પુના ઘા મારીને ખુલ્લેઆમ મોતના ઘાટે ઉતારી દીધો હતો. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી.

નાગરાજૂ પોતાની પત્ની સુલ્તાના સાથે બાઈક પર શહેરના સરુરનગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે મામલતદાર ઓફિસની પાસે બે લોકોએ નાગરાજૂને રોક્યો અને પછી નાગરાજૂ પર લોખંડના રોડ અને ચાકૂથી હુમલો કર્યો હતો. નાગરાજૂના પરિવારે સુલ્તાનાના પરિવારજનો પર હત્યાનો આરોપ મૂક્યો હતા. આ ઘટના બાદ રાજકીય વિવાદ વકરવા માંડ્યો હતો અને હત્યાથી નારાજ હિન્દુ સંગઠનોએ પોલીસ-વહીવટી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.સમગ્ર મામલો એવો છે કે, નાગરાજૂ રંગારેડ્ડી જિલ્લાના પરપલ્લી ગામનો રહેવાસી છે, જ્યારે સુલતાના તેના પડોશી ગામ ઘાનાપુરની રહેવાસી છે. બંને સાત વર્ષથી રિલેશનશિપમાં હતા, પરંતુ સુલ્તાનાનો પરિવાર આ સંબંધની વિરુદ્ધમાં હતો. 31 માર્ચે નાગરાજૂ અને સુલ્તાનાએ ભાગીને આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરી લીધા અને લગ્ન બાદ સુલ્તાનાએ પોતાનું નામ બદલીને પલ્લવી રાખ્યું હતું.