ગુજરાત સરકારે કેવડીયા ખાતે નિર્માણ થયેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં વધુ એક પ્રવાસન આકર્ષણ નજરાણા રૂપે એક અને અખંડ ભારતના નિર્માણમાં ૫૬૨ દેશી રજવાડાંઓના યોગદાનને દર્શાવતું મ્યુઝિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે.
આ મ્યુઝિયમ દેશની આઝાદી પૂર્વેનાં રાજા-રજવાડાંઓની ગૌરવગાથાને પ્રદર્શિત કરતું વિશ્વનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ બનવાનું છે.
આ મ્યુઝિયમ નિર્માણની પ્રક્રિયા માટે રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાત સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે.
આ સમિતિમાં સભ્ય સચિવ તરીકે પુરાતત્વ અને સંગ્રહાલયના નિયમાક ડો. પંકજ શર્મા, પૂર્વ અધિક મુખ્ય સચિવ અને વલાસણાના પૂર્વ રાજપરિવાર સદસ્ય એસ. એસ. રાઠોર, રાજકોટના પૂર્વ રાજપરિવારના સદસ્ય માંઘાતા સિંહ, સીરોહીના પૂર્વ રાજપરિવાર સદસ્ય રઘુવીરસિંહ, જયપુરના પૂર્વ રાજપરિવારના સદસ્ય શ્રીમતી દિયા કુમારી, મેહરાનગઢ મ્યુઝિયમ ટ્રસ્ટ, જોધપુરના નિયામકશ્રી કરણી સિંઘ જસોલ, હાવર્ડ યુનિવર્સિટીમાં ઈતિહાસના પ્રોફેસર અને ધાંગ્રધ્રાના પૂર્વ રાજપરિવારના સદસ્યશ્રી ડો. અંગમા ઝાલા વગેરેનો સમાવેશ થાય છે.
દેશની આઝાદી પછીના સમયકાળમાં અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલના સફળ પ્રયત્નો અને પ્રેરણાથી પોતાના રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરનારા ૫૬૨ રાજા-રજવાડાઓના ગૌરવપૂર્ણ ઈતિહાસને આવનારી પેઢીઓ સુધી અકબંધ રાખવાના હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયામાં આ ભવ્યાતિભવ્ય મ્યુઝિયમના નિર્માણનું આયોજન રાજ્ય સરકારે કર્યું છે.
આ મ્યુઝિયમમાં રજવાડાઓનો ભવ્ય વારસો, ઝર-ઝવેરાત, કલાકારીગીરીની ચીજવસ્તુઓ તથા તેમના રાજ્યની અમૂલ્ય ચીજવસ્તુઓ, મિલ્કતો-કિલ્લા-મહેલો સહિતના ભવ્ય વારસાની ઝાંખી પણ પ્રદર્શિત કરવામાં આવશે.