Tesla again showed interest in India
(Photo by Maja Hitij/Getty Images)

વિશ્વની અગ્રણી ઓટો કંપની ટેસ્લાના સીઇઓ એલન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે ભારતીય ટેલેન્ટથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. તેમણે સ્ટ્રાઇપ કંપનીના સીઇઓ પેટ્રિક કોલિસનની એક ટ્વીટના જવાબમાં આ પ્રતિક્રિયા આપી હતી.

સ્ટ્રાઇપ કંપનીના સીઇઓ પેટ્રિક કોલિસને પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઇઓ બનવા પર અભિનંદન પાઠવતા લખ્યું છે, ‘ગૂગલ, માઈક્રોસોફ્ટ, અડોબી, આઇબીએમ, પાલો આલ્ટો નેટવર્ક્સ અને હવે ટ્વિટરના સીઇઓ ભારતમાં મોટા થયા છે. ટેકનિકલ વર્લ્ડમાં ભારતીયોની આશ્રર્યજનક સફળતા જોઇને ખુશી થઇ રહી છે. આનાથી સાબિત થાય છે કે, અમેરિકામાં બહારથી આવનારા લોકો માટે કેટલી ઉજ્જવળ તકો છે. અભિનંદન પરાગ.’

ઉલ્લેખનીય છે કે, જેક ડોર્સીએ ટ્વિટરના સીઇઓ પદેથી રાજીનામું આપ્યું છે, જે પછી ભારતીય મૂળના પરાગ અગ્રવાલને ટ્વિટરના નવા સીઇઓ નિમણૂક કરવામાં આવ્યા છે. તેઓ IIT મુંબઇથી ગ્રેજ્યુએટ છે અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી છે. પરાગ અગ્રવાલ 2011થી ટ્વિટરમાં કામ કરી રહ્યા છે અને 2017થી કંપનીના સીટીઓ પદે જવાબદારી સંભાળી રહ્યા છે.