ગુજરાતમાં પાટીદાર નેતા અને ખોડધામના ચેરમેન નરેશ પટેલે આખરે રાજકારણમાં પ્રવેશ કરવાના નિર્ણયને હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે. ગુરુવાર (16 જૂન)એ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને તેમણે પોતાના આ નિર્ણયની જાહેરાત કરી હતી. ગુજરાતમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી અટકળો થતી હતી. તેમણે પોતે પણ રાજકારણમાં જોડવાનો સંકેત આપ્યો હતો તથા આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકો પણ યોજી હતી.

પાટીદાર નેતાએ જણાવ્યું હતું કરે તેઓ ખોડલધામ પ્રોજેક્ટને આગળ વધારવા માટે કામ કરશે. વડીલોની સલાહો માન્ય રાખીને તેમણે હાલ પૂરતું રાજકારણમાં ન જોડાવવાનો નિર્ણય લીધો છે. જોકે તેમણે ખોડલધામ પોલિટિકલ એકેડમી શરૂ કરવાની જાહેરાત કરી હતી.

હવે બિનરાજકીય રહેવાનો ઉલ્લેખ કરતાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ પક્ષને સપોર્ટ કરવાનો તેમનો કોઈ જ એજન્ડા નથી. વડીલોએ મને રાજકારણમાં જોડાવવાની સંપૂર્ણપણે ના પાડે છે. જોકે 80 ટકા યુવાનો તથા 50 ટકા મહિલાઓ હું રાજકારણમાં જોડાઉં તેમ ઈચ્છે છે. સમય અને સંજોગો શું કરાવે તે કહી ન શકાય. તેમનું આ નિવેદન તેમના ભવિષ્યમાં રાજકારણમાં જોડાવા અંગે હજું પણ શક્યતા દર્શાવતું હોવાનું સૂચક માની શકાય છે.

નરેશ પટેલે ખોડલધામ કાગવડ ખાતે ટ્રસ્ટીઓ સાથે એક બંધબારણે બેઠક યોજી હતી અને ત્યાર બાદ પત્રકાર પરિષદમાં પોતે રાજકારણમાં જોડાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો હોવાની જાહેરાત કરી હતી.

વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના પ્રમુખો અને ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. સરકાર સામેની વિવિધ માગણીઓને અનુસંધાને યોજાયેલી તે બેઠકમાં પાટીદાર સમાજના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તે બેઠકમાં નરેશ પટેલ હાજર રહેવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ન દેખાતાં તેમની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી.