Narendra Modi ranks first among the world's top popular leaders

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા કેટલાક વર્ષો વિશ્વભરમાં પોતાની એક અનોખી છબી ઊભી કરવામાં સફળ રહ્યા છે. તેઓ દુનિયાના ટોચના નેતાઓની વચ્ચે પોતાનું મજબૂત સ્થાન બનાવી શક્યા છે. તાજેતરમાં કરવામાં આવેલા એક વૈશ્વિક સર્વેમાં તેમણે લોકપ્રિયતાની દૃષ્ટિએ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગ્લોબલ ડિસિશન ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટ દ્વારા 17થી 23 ઓગસ્ટ દરમિયાન સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 75 ટકા ભારતીયોએ વડાપ્રધાન મોદીને પસંદ કર્યા છે. આ સિવાય યાદીમાં વૈશ્વિક નેતા આન્દ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રાડર હતા. મેક્સિકોના 63 ટકા લોકોએ તેમને પસંદ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાના નવા વડાપ્રધાન એન્થની એલ્બાનીઝ પછીના સ્થાને હતા. ઇટાલીના મારિયો ડ્રાગીને પણ 54 ટકા લોકોએ પસંદ કર્યા હતા. કોરોનાકાળમાં ભારત સરકારની કામગીરીની આલોચના થઇ હોવા છતા સર્વેમાં વડાપ્રધાન મોદીએ તેમની લોકપ્રિયતા જાળવી રાખી હતી. કોરોનાની શરૂઆત વખતે એપ્રિલ 2020માં મોદીનું ‘એપ્રુવલ રેટિંગ’ 83 ટકા હતું. બીજી લહેરમાં આ રેટિંગ ઘટીને 65 ટકા થયું હતું, પણ પછી ફરીથી લોકોએ નરેન્દ્ર મોદીની સરકારમાં વિશ્વાસ દર્શાવ્યો છે.
72 ટકાથી વધુ ભારતીયો માને છે કે, વડાપ્રધાન મોદી દેશને યોગ્ય દિશામાં લઈ જઈ રહ્યા છે. યુક્રેનના યુદ્ધથી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેનના ‘એપ્રુવલ રેટિંગ્સ’ પર અસર થઈ છે. ઉપરાંત, ફ્રેન્ચ પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝના ‘એપ્રુવલ રેટિંગ’માં પણ ઘટાડો નોંધાયો છે.