BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ગુરુવાર તા. 2 જૂનના રોજ સાંજે મહારાણીની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવા માટે બ્રેન્ટ બરોના પ્રતિનિધિ ડેપ્યુટી લેફ્ટનન્ટ મેઈ સિમ લાઈ OBE દ્વારા બિકન પ્રજ્જવલિત કરાઇ હતી. આ બિકન, યુકે અને કોમનવેલ્થમાં પ્રગટાવવામાં આવેલ હજારોમાંથી એક હતું અને જ્યુબિલી વીકએન્ડ માટે બકિંગહામ પેલેસ દ્વારા જાહેર કરાયેલ સત્તાવાર કાર્યક્રમ હતો.

બિકન લાઇટિંગ સેરેમનીમાં સ્થાનિક પોલીસ દળ, ફાયર બ્રિગેડ અને NHS સ્ટાફના પ્રતિનિધિઓ તેમજ ડૉન બટલર, એમપી અને બ્રેન્ટ કાઉન્સિલના લીડર કાઉન્સિલર મુહમ્મદ બટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

નાના બાળકોએ ભારતમાં પ. પૂ. મહંત સ્વામી મહારાજ દ્વારા પવિત્ર કરાયેલી જ્યોત સાથેનું ફાનસ અર્પણ કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમમાં વૈદિક શાંતિ પ્રાર્થના, પરંપરાગત ભારતીય લોક નૃત્ય, શંખનાદ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું.

BAPS સ્વયંસેવક નીપા પટેલે ઉમેર્યું હતું કે, “મહારાણીના નેતૃત્વના દીર્ઘાયુષ્યએ રાષ્ટ્રને આરામ અને ખાતરી આપી છે. લંડન અને યુકેની આસપાસના તમામ BAPS હિંદુ મંદિરો આંતરરાષ્ટ્રીય ઉજવણીમાં જોડાયા છે અને રાણીની સાત દાયકાની જાહેર સેવાને શ્રદ્ધાંજલિ આપતા અમને આનંદ થાય છે.’’

નીસડન મંદિરના સર્જક પૂ. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી જન્મજયંતિ નિમિત્તે પવિત્ર જ્યોતને અર્પણ કરવામાં આવી હતી અને વૈદિક શાંતિ પ્રાર્થના કરાઇ હતી અને પૂ. પ્રમુખ સ્વામી મહારાજની નવી ઉભી કરાયેલ 27 ફૂટની છબીની બાજુમાં બિકન મૂકવામાં આવ્યું હતું.

  • સમગ્ર યુકેમાં સખાવતી સંસ્થાઓ, સમુદાયો અને ફેઇથ જૂથો દ્વારા બે હજારથી વધુ બિકન્સ પ્રગટાવવામાં આવ્યા હતા.
  • ગુરુવારે સાંજે બકિંગહામ પેલેસ ખાતે એક વિશેષ સમારોહમાં પ્રિન્સિપલ બિકન સાથે તમામ 54 કોમનવેલ્થ દેશોની રાજધાનીઓમાં બિકન્સ પ્રગટાવવામાં આવ્યા હતા.