Gujarat News

કેનેડાની બોર્ડર પર ઠંડીમાં થીજી જતાં ગુજરાતી પરિવારના મોતના મુદ્દે ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રવિવાર, 23 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે અહીં આપણા યુવાનોને તક મળતી ન હોવાથી આ દુઃખ ઘટના બની હતી. અમદાવાદમાં સરદાર ધામ ખાતે ઇ-લાયબ્રેરીના ઉદ્ધઘાટન દરમિયાન તેઓ બોલી રહ્યાં હતા.
તેમણે કહ્યું હતું કે, અમેરિકા જેવા દેશમા જવા લાખો લોકો પ્રયાસ કરે છે. મોટા પ્રમાણમાં લોકો અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જાય છે. શા માટે જાય છે? અહીં તક નથી. અહીં મહેનત કર્યાં પછી પણ સ્થાન મળતું નથી એટલે મોટી રકમનો ખર્ચ કરીને કેટલાય જોખમો લઈને અમેરિકા જતા હોય. ત્યાં કોઈ ચિંતા નથી. ખાલી આ બોર્ડર ક્રોસ કરવાની જ ચિંતા છે.

નીતિન પટેલે કહ્યું કે, ‘બીજું બધું નહીં બોલું અહીં મીડિયા છે. પાટીદાર સમાજના ચાર ભાઈ-બહેન માઇનસ 35 ડિગ્રીમાં કેનેડા બોર્ડર પર ઠુંઠવાઈ ગયા. આ કરૂણ બનાવ કેમ બન્યો? અહીં તકો ઉપલબ્ધ થતી નથી. ભવિષ્ય ઉજ્જવળ થતું નથી, મહેનત કરવા છતાં, અભ્યાસ કરવા છતાં કોઈ સારી પોઝિશન પ્રાપ્ત થતી નથી એટલે આ બધો સંઘર્ષ કરવો પડે છે. આવી દુઃખદ ઘટના ન બને તે માટે આગોતરી વ્યવસ્થા કરવી જોઈએ.