ફિલિપાઇન્સના જર્નાલિસ્ટ અને રેપલરના સીઇઓ મારિયા રેસ્સાREUTERS/Eloisa Lopez

વર્ષ 2021નો શાંતિનો નોબલ પુરસ્કારના આ વખતે બે જર્નાલિસ્ટ્સને આપવામાં આવ્યો છે. ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસા અને રશિયાના પત્રકાર ડીમિટ્રી મુરાટોવનું શાંતિના આ સર્વોચ્ચ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું છે.
નોર્વેની નોબેલ કમિટીએ જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે લડાઇ બદલ તેમનું સન્માન થયું છે, કારણ કે તે શાંતિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સમિતિના વડા બેરિટ રીસ- એન્ડરસને જણાવ્યું હતું કે મુક્ત, સ્વતંત્ર અને તથ્ય આધારિત જર્નાલિઝમથી સત્તાના દુરુપયોગ, જુઠ્ઠાણા અને વોર પ્રોપેગેન્ડા સામે રક્ષણ મેળવી શકાય છે.

તેમણે જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની સ્વતંત્રતા વગર વિશ્વના વિવિધ દેશો વચ્ચે મિત્રતાને પ્રોત્સાહન આપવાનુ, નિશસ્ત્રીકરણ કરવાનું અને વધુ સારા વિશ્વનું સર્જન કરવાનું મુશ્કેલ છે.

ફિલિપાઇન્સના પત્રકાર મારિયા રેસાએ 2012માં ન્યૂઝ વેબસાઇટ રેપલરની સહસ્થાપના કરી હતી. આ વેબસાઇટે પ્રેસિડન્ટ રોડ્રીગોની વિવાદાસ્પદ અને ઘાતકી ડ્રગ વિરોધ ઝુંબેશ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. રેસા અને રેપલરે ફેક ન્યૂઝ ફેલાવવા, વિરોધીઓને હેરાન કરવા અને જાહેર અભિપ્રાય સાથે ચેડાં કરવા માટે સોસિયલ મીડિયાનો કેવી રીતે ઉપયોગ થાય છે તેને હાઇલાઇટ કર્યું હતું.

રશિયાના પત્રકાર મુરાટોવનો સમાવેશ 1993માં રશિયાના સ્વતંત્ર વર્તમાનપત્ર નોવાયા ગેઝેટના સ્થાપકોમાં  થાય છે. નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે નોવાયા ગેઝેટ હાલમાં રશિયાનું સૌથી વધુ સ્વતંત્ર વર્તમાનપત્ર છે. તે સત્તાધારી લોકોની ખુલ્લી આલોચન કરે છે.