(PTI Photo)

ગ્રેટર માન્ચેસ્ટર, લેસ્ટર, વેસ્ટ યોર્કશાયરના ભાગો અને ઇસ્ટ લેન્કશાયરના કેટલાક નગરોમાં કોવિડ-19ના ચેપના વધતા વ્યાપને કારણે મેળાપ પરના વર્તમાન નિયમો યથાવત રાખવામાં આવ્યા છે. પ્રેસ્ટનમાં તા. 11ની રાતથી ઘરેલુ મેળાવડા પર પ્રતિબંધો લાવવામાં આવશે, કારણ કે પ્રેસ્ટનને ‘એરિયા ઓફ ઇન્ટરવેન્શન’ તરીકે જેબીસી અને પીએચઇની વોચની સૂચિમાં ઉમેરવામાં આવ્યું છે. લેસ્ટર, બ્લેકબર્ન અને બ્રેડફોર્ડમાં વ્યાપક પ્રતિબંધો ચાલુ રાખવામાં આવ્યા છે.

ગઈકાલે સરકાર અને સ્થાનિક અધિકારીઓ દ્વારા સ્થાનિક પ્રતિબંધોની સમીક્ષા બાદ આ વિસ્તારોમાં કોવિડ-19 કેસોના તાત્કાલિક વધારાને પહોંચી વળવા તાત્કાલિક ધોરણે પગલાઓની જાહેરાત કરવામાં આવી હતી. આ વિસ્તારમાં કેસની સંખ્યામાં ઘટાડો થયો હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. હેલ્થ સેક્રેટરી સ્થાનિક નેતાઓ સાથે નિકટનો સંપર્ક રાખી રહ્યા છે. જેઓ નિયમોનું પાલન કરવા સ્થાનિક રહેવાસીઓને સુરક્ષિત કરવામાં મદદ કરશે.

લોકલ ઑથોરિટીની વિનંતીને પગલે પ્રેસ્ટનના લોકો એક બીજાના ઘરો અને બગીચાઓમાં જઇ નહિં શકે. શુક્રવાર તા. 14 ઑગસ્ટ સુધીમાં બદલાવ આવશે તો આગામી અઠવાડિયે ફરીથી મેળાવડા પરના પ્રતિબંધોની સમીક્ષા કરવામાં આવશે.

મેટ હેનકોકે કહ્યું હતું કે “કમનસીબે, ડેટા હજુ સુધી આ ભયંકર વાયરસના સંક્રમણમાં ઘટાડો દર્શાવતો નથી. જ્યારે આપણે સમગ્ર યુરોપમાં વાયરસના વધતા દરને જોઇ રહ્યા છીએ ત્યારે આપણા દેશની સુરક્ષા માટે દરેક સાવચેતી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું આ ક્ષેત્રોના દરેકને વિનંતી કરું છું કે નિયમોનું પાલન કરો, કોઈ લક્ષણો આવે કે તરત જ ટેસ્ટ કરાવો અને જો એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ તમને કહેશે તો આઇસોલેટ થાવ.”

ઇન્ડોર મેળાવડા પરનો પ્રતિબંધ ગ્રેટર માન્ચેસ્ટરના માન્ચેસ્ટર સિટી, ટ્રેફર્ડ, સ્ટોકપોર્ટ, ઓલ્ડહામ, બરી, વિગાન, બોલ્ટન, ટેમીસાઇડ, રોશડેલ, સેલ્ફર્ડ; લેન્કેશાયરના ડાર્વેન સાથે બ્લેકબર્ન, બર્નલી, હાયન્ડબર્ન, પેન્ડલ, રોઝેન્ડેલ, પ્રેસ્ટન તેમજ વેસ્ટ યોર્કશાયરના બ્રેડફર્ડ, કેલ્ડરડેલ, કર્કલીઝ અને લેસ્ટરને લાગુ પડશે.

આ વિસ્તારોના લોકો હજી પણ અન્ય વ્યક્તિઓને 6 વ્યક્તિઓ સુધીના જૂથોમાં અથવા 2 ઘરોમાં, આઉટડોર જાહેર સ્થળોએ મળવા માટે સક્ષમ છે. લેસ્ટર, બ્રેડફર્ડ અને બ્લેકબર્નમાં પૂલ, ઇન્ડોર જીમ અને અન્ય લેઝર સુવિધાઓ બંધ રહેશે.