Ganderbal: Army convoy moves on Srinagar- Ladakh highway at Gagangeer, in Ganderbal district of Central Kashmir, Tuesday, Sept. 1, 2020. (PTI Photo)(PTI01-09-2020_000231B)

લદ્દાખ સરહદે તનાવ સર્જ્યા બાદ ચીને હવે પેંતરો બદલ્યો હોય એમ ઉત્તરાખંડ સરહદે તનાવ સર્જવાનું અટકચાળું કર્યું હતું. ભારતીય લશ્કરે તરત ત્યાં વધુ કુમક મોકલી આપી હતી. ભારત-ચીન, ભારત-નેપાળ અને ભારત-ભુતાન એમ ત્રણે સરહદો પર આપણા જવાનોને સતર્ક કરી દેવાયા હતા. સાથોસાથ કેન્દ્ર સરકારે ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને લદ્દાખ સરહદે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસને પણ સજાગ રહેવાની તાકીદ કરી હતી.

ઉત્તરાખંડના કાલા પાની વિસ્તારમાં જ્યાં ભારત, ચીન અને નેપાળની સરહદો મળે છે ત્યાં ફરજ પરના જવાનોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. ઉત્તરાખંડ સરહદે વધુ કુમક મોકલવામાં આવી હતી, સશસ્ત્ર સીમા બલ (SSB)ના જવાનોને સાબદા કરાયા હતા.

SSBની ત્રીસ કંપની એટલે કે ત્રણ હજાર સશસ્ત્ર જવાનોને ત્યાં મોકલી આપવામાં આવ્યા હતા. સરકારી સૂત્રોએ જણાવ્યા મુજબ મંગળવારે કેન્દ્રના ગૃહ અને સંરક્ષણ ખાતાના અધિકારીઓએ ITBP અને SSBના વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી અને ચીનની મેલી મુરાદ સામે સાવધ રહેવાની તાકીદ કરવામાં આવી હતી.

અત્યાર અગાઉ ચીને છેલ્લા ત્રણ દિવસમાં લદ્દાખ સરહદે ઘુસણખોરીના પ્રયાસ કર્યા હતા. એ દરમિયાન ચીન અને ભારતના જવાનો વચ્ચે હાથની લડાઇ પણ થઇ ઙતી. ભારતના જવાનોએ ચીનની દરેક હિલચાલને અટકાવી દીધી હતી અને ચીનના ઇરાદાને સાકાર થવા દીધા નહોતા.

અત્યાર પહેલાં ચીને અરુણાચલ પ્રદેશ, સિક્કીમ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોને પોતાની માલિકીના ગણાવીને ત્યાં પણ અટકચાળા કરવાના પ્રયાસ કર્યા હતા. ભારતીય લશ્કરના જવાનોની સતર્કતાને કારણે ચીન ફાવ્યું નહોતું. ચીન પોતાની વિસ્તારવાદી નીતિના પગલે ઠેકઠેકાણે ઘુસણખોરી કરવા સતત પ્રયાસો કરતું રહ્યું હતું.