વિદેશમાં સ્થાયી થયેલા, વિદેશી સીટીઝનશિપ ધરાવતા ભારતીય મૂળના લોકો પાસે ઓવરસીઝ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા (OCI) કાર્ડ્ઝ હોય તેમણે ભારત જતી વખતે તેમના જૂના, એક્સપાયર થયેલા પાસપોર્ટ્સ સાથે રાખવા જરૂરી નથી, તેવું ભારત સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે. સરકારનું આ પગલું વિદેશવાસી ભારતીયોએ આવકાર્યું છે.

આ OCI કાર્ડ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીય મૂળના લોકોને ઇસ્યુ કરવામાં આવ્યા છે. એ કાર્ડ ધરાવતા લોકોને ભારતીય નાગરિકોને મળતા લગભગ તમામ લાભ મળે છે. તેમાં ફક્ત ચૂંટણીઓમાં વોટ આપવા, સરકારી નોકરી અને ખેતીની જમીન ખરીદવાનો અધિકાર મળતો નથી. આ કાર્ડધારકો ભારત જવા માટે આજીવન વિઝા મળેલા ગણાય છે. અમેરિકામાં ઇન્ડિયન મિશન્સે 26 માર્ચના રોજની પ્રેસ રીલીઝમાં જણાવ્યું હતું કે, OCI કાર્ડધારકો સરળ રીતે પ્રવાસ કરી શકે તે માટે એવું નક્કી કરવામાં આવ્યું છે કે, OCI કાર્ડધારકો માટે OCI કાર્ડ્ઝ ફરીથી ઇસ્યુ કરવાની સમય મર્યાદા 31 ડિસેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે.

વધુમાં ‘OCI કાર્ડ સાથે જૂના પાસપોર્ટ્સ સાથે રાખવાની જરૂરિયાત નાબૂદ કરાઈ છે. હવેથી, જે OCI કાર્ડધારકો પોતાના કાર્ડમાં જૂના પાસપોર્ટનો નંબર ધરાવતા હોય તેમણે OCI કાર્ડની સાથે જૂનો પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી. જોકે, નવો પાસપોર્ટ સાથે રાખવો ફરજિયાત છે. ’

છેલ્લા કેટલાક વર્ષોથી OCI કાર્ડધારકોના મુદ્દે કાર્યરત ન્યૂયોર્ક સ્થિત સામાજિક કાર્યકર પ્રેમ ભંડારીએ આ જાહેરાતને આવકારી છે. તેમણે આ વર્ષ માટે રીન્યુ કરવાની મર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવવા અને OCI કાર્ડધારકોને જૂના અને એક્સપાયર્ડ ફોરેન પાસપોર્ટ્સ સાથે નહી રાખવા બાબતે જે સરળ માર્ગદર્શિકાઓ જાહેર કરી છે તે બાબતે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

તેમણે નવી માર્ગદર્શિકાઓ માટે હોમ સેક્રેટરી અજય કુમાર ભલ્લાનો પણ આભાર માનતાં જણાવ્યું હતું કે, ‘આ નવી માર્ગદર્શિકાઓ સાથે વિશ્વભરના OCI કાર્ડધારકો રાહતનો શ્વાસ લઇ શકશે.’

ભંડારીએ જણાવ્યું હતું કે, વિદેશવાસી ઘણા ભારતીયો મહામારી દરમિયાન ભારતનો પ્રવાસ કરતા હોવાથી તેમને OCI કાર્ડના કેટલાક નિયમોને કારણે પડતી મુશ્કેલીઓથી તેઓ બરાબર વાકેફ હતા.

તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુસાફરો પાસે તેમના જૂના ફોરેન પાસપોર્ટ્સ ન હોવાથી તેમને ફ્લાઇટમાં બેસવાની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમને એરપોર્ટ્સથી પરત મોકલવામાં આવ્યા હતા, જે સરકારના નિયમો પ્રમાણે જરૂરી હતા. OCI કાર્ડના લાભોમાં મલ્ટીપલ એન્ટ્રી, ભારતીય મૂળના વિદેશી નાગરિકને ભારત જવા માટેના બહુહેતુક આજીવન વિઝાનો સમાવેશ થાય છે. આ નિયમો અનુસાર જે લોકો 20 વર્ષથી ઓછી અને 50 વર્ષથી વધુ ઉંમરના છે તેમને તેમના પાસપોર્ટ રીન્યુ કરાવવાની જેમ તેમનું OCI કાર્ડ દર વખતે રીન્યુ કરાવવું જરૂરી છે.  કોરોના વાઇરસ મહામારીને કારણે ભારત સરકારે ગત વર્ષથી કેટલીક છૂટછાટો આપી છે. અનેકવાર સમયમર્યાદા પણ લંબાવવામાં આવી છે. જોકે, વિદેશવાસી ભારતીયોને OCI કાર્ડઝની સાથે જૂના પાસપોર્ટ્સ રાખવા બાબતે પ્રથમવાર માર્ગદર્શિકાઓમાં છૂટછાટો આપવામાં આવી છે.

જે લોકો વિદેશમાં ફસાઇ ગયા હતા તેમના માટે ગત વર્ષે મે મહિનામાં ભારત સરકારે OCI કાર્ડધારકોની કેટલીક શ્રેણીઓમાં મંજૂરી આપી હતી. અગાઉ, ભારત સરકારે જાહેર કરેલા નવા નિયમો અનુસાર, કોવિડ-19 મહામારી અંતર્ગત નવા વિદેશ પ્રવાસ નિયંત્રણો હેઠળ વિદેશી નાગરિકો અને OCI કાર્ડઝના વિઝા રદ્ કર્યા હતા.

OCI કાર્ડધારકોને જણાવવામાં આવ્યું હતું કે, ભારતના પ્રવાસ વખતે તેમની સાથે તેમનો જૂનો પાસપોર્ટ રાખવો. હવે નવી જોગવાઇઓ મુજબ, OCI કાર્ડધારકોએ તેમનો જૂના પાસપોર્ટ સાથે રાખવાની જરૂર નથી, પરંતુ નવો પાસપોર્ટ સાથે રાખવાનું હજુ જરૂરી રહેશે.

ભંડારીએ જણાવ્યું હતું કે, OCI કાર્ડધારકો માટે જૂના એક્સપાયર ફોરેન પાસપોર્ટ્સ સાથે રાખવાની ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા 2005થી અમલમાં હતી, પરંતુ 2019 સુધી તેનો ચૂસ્તપણે અમલ થતો નહોતો અથવા તે લાગુ કરવામાં આવતો નહોતો.

ભંડારીએ અગાઉ ભારત સરકારને વિનંતી કરી હતી કે, કોવિડ-19 મહામારી દરમિયાનની ઇમરજન્સીમાં અથવા તો આરોગ્ય વિષયક બાબતોમાં ભારતીય મૂળના પરિવારને તેમના વતન જવામાં મદદરૂપ થવા માટે ઇમરજન્સી વિઝા મંજૂર કરવા જેવા પગલા શરૂ કરવા જોઇએ.

આ ઉપરાંત ભંડારીએ આશા વ્યક્ત કરી છે કે, ટુરિસ્ટ વિઝા મુદ્દે પણ ઝડપથી નિરાકરણ આવશે. ગત વર્ષે ઓક્ટોબરમાં ભારત સરકારે ઇલેકટ્રોનિક, ટુરિસ્ટ અને મેડિકલ કેટેગરી વિઝા સિવાયના વર્તમાન તમામ વિઝાની માન્યતા તાત્કાલિક અસરથી મંજૂર કરવાનો નિર્ણય કર્યો હતો.