ટોક્યો ઓલિમ્પિક્સના પ્રારંભને આડે ગણતરીના દિવસો બાકી છે અને વિશ્વભરના ખેલાડીઓનું આગમન શરૂ થઈ ગયું છે, ત્યારે ગેમ્સ વિલેજમાં કોરોનાનો એક કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. ગેમ્સ વિલેજમાં પહોંચી ગયેલા ખેલાડીઓ અને અધિકારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. અલબત્ત, વિવાદ શાંત કરવા ગેમ્સની આયોજન સમિતિએ ગેમ્સ વિલેજમાં કોરોના થયો છે, તે કોઈ ખેલાડી નથી, પણ ગેમ્સના આયોજન સાથે જોડાયેલો એક વ્યક્તિ હોવાનું અને તે જાપાની નાગરિક નહીં હોવાનું જણાવ્યું હતું.

કોરોનાના ભયાનક પડછાયા હેઠળ ૨૩મી જુલાઈથી ટોક્યો ઓલિમ્પિક્સનો પ્રારંભ થવાનો છે, ત્યારે જ ગેમ્સ વિલેજમાં કોરોનાનો કેસ નોંધાયો છે. આયોજન સમિતિએ તે વ્યક્તિની ઓળખ જાહેર કરી નહોતી. આ ઉપરાંત પણ ઘણી બધી વિગતો ગુપ્તતાનું કારણ આગળ કરીને જાહેર કરાઈ નહોતી. ટોક્યો ઓલિમ્પિક્સની આયોજન સમિતિના સીઈઓ તોશિરો મુટોએ કહ્યું કે, આવી પરિસ્થિતિમાં કોરોનાનો કેસ નોંધાય તેવી શક્યતા સ્વીકારવી જ રહી. હાલમાં કોરોનાગ્રસ્ત વ્યક્તિને ૧૪ દિવસના ક્વોરન્ટાઈનમાં મોકલી દેવામાં આવી છે. ઓલિમ્પિક વિલેજમાં ૧૧ હજારથી વધુ એથ્લીટ્સ-અધિકારીઓ રહેશે અને ત્યાં હજ્જારોની સંખ્યામાં કામદારો પણ છે.

આયોજન સમિતિએ એવી ચોંકાવનારી વિગતો પણ આપી હતી કે, જુલાઈ મહિનામાં જ ગેમ્સ સાથે સંકળાયેલા ૪૫ વ્યક્તિઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમાંની એક વ્યક્તિ ગેમ્સ વિલેજની છે. આ ઉપરાંત ૧૪મી જુલાઈએ એક એથ્લીટનો ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો હતો, તો મીડિયાની ત્રણ વ્યક્તિને પણ કોરોના થયો હોવાનું ટેસ્ટિંગ બાદ જાણવા મળ્યું હતુ. જુલાઈમાં નોંધાયેલા ૪૫માંથી ૧૨ કેસ વિદેશી વ્યક્તિઓ છે.

ઓલિમ્પિક ગેમ્સના યજમાન શહેર ટોક્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. અને છતાં આયોજકો અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ટોક્યો ગેમ્સ આગળ ધપાવવા મકક્મ છે. તેની સામે સ્થાનિક નાગરિકો રમતોના મહાકુંભના આયોજનનો વિરોધ કરી રહ્યા છે.