સંતભગવંત સાહેબજીના આશીર્વાદ અને પ્રેરણાથી અનુપમ મિશન, યુ.કે.ની પવિત્ર ભૂમિ બ્રહ્મજ્યોતિમાં નિર્માણ પામનાર અને સમગ્ર સમાજની સેવામાં સમર્પિત યુરોપના સર્વ પ્રથમ ભારતીય સનાતન પરંપરા મુજબના અત્યાધુનિક અંત્યેષ્ટિ સંસ્કાર ભવન ૐ ક્રિમેટોરિયમનો ભવ્ય શિલાન્યાસ સ મારોહ, બુધવાર ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ના ગણેશ ચતુર્થીના રોજ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુ, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર લોકલ ગવર્નમેન્ટ, ફેઇથ અને કોમ્નિયુનીટીઝ પોલ સ્કલી, એમપી, ભારતીય હાઈ કમિશનના સેકન્ડ સેક્રેટરી શ્રી સંજય કુમાર અને હિંદુજા ફાઉન્ડેશનના શ્રી ગોપીચંદ હિંદુજા ઉપસ્થિત રહ્યા હતા.

આ ખાતમુહૂર્ત પ્રસંગે યુ.કે.ના શ્રેષ્ઠીઓ સર્વશ્રી ભીખુભાઇ અને વિજયભાઇ પટેલ (વેમેડ ફાર્માસ્યુટિકલ્સ), પ્રદીપભાઇ ધામેચા (ઘામેચા કેશ એન્ડ કેરી), મહાનુભાવો, સાંસદ સભ્યો, ભાવિક ભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં સંતભગવંત સાહેબજી અને સદ્ગુરુ સંત પૂજ્ય શાંતિદાદાના સાન્નિધ્યમાં વૈદિક રીતે શિલાન્યાસ પૂજાવિધિ કરવામાં આવી હતી.

પૂ. હરિશમુનિ, સાધુ જયેન્દ્ર દાસજી, કોન્ટ્રાક્ટર જતીનભાઇ, નયનભાઇ, હરજીવનભાઇએ સાધનસરંજામની પૂજા કરી હતી. ૧૦૮ પસંદ કરેલા યજમાનો સહિત સમગ્ર યુ.કે.માંથી ૮૦૦થી વધુ અગ્રણીઓએ શિલાન્યાસ પૂજામાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે લૉર્ડ ડોલર પોપટ, બૅરી ગાર્ડિનર (એમ.પી.), વીરેન્દ્ર શર્મા (એમ.પી.), સીમા મલ્હોત્રા (એમ.પી.), રાજેશ અગ્રવાલ (લંડનના ડૅપ્યુટી મૅયર), ઓંકાર સહોતા (લંડન ઍેમ્બલીના અધ્યક્ષ) સાથે સ્થાનિક કાઉન્સિલરો અને હિંદુ, શીખ અને જૈન સમુદાયોના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અનુપમ મિશનના સદ્ગુરુ સંત પૂ. મનોજદાસજીએ પ્રાધાનાચાર્ય સ્વરૂપે અન્ય આચાર્ય સંતોની સાથે શિલાન્યાસ પૂજા વિધિ, ક્રિયા અને શ્ર્લોકના અર્થ ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સમજાવીને શિલાન્યાસ વિધિ કરાવ્યો હતો.

આ પ્રસંગે ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ અનુપમ મિશન દ્વારા થયેલાં અને થતાં સેવાકાર્યોની સરાહના કરી પૂ. સાહેબજીને વંદન કર્યા હતાં. તેમણે ભારતીય સંસ્કાર અને અસ્મિતાને જાળવી રાખવા સૌને હાકલ કરી જણાવ્યું હતું કે ‘’તમારૂ જે કોઇ સ્ટેટસ હોય તે પણ તમારે આખરે અહિં જ આવવાનું છે. 12 એકર જમીનમાં બંધાનારા યુરોપના સર્વ પ્રથમ હિન્દુ ક્રિમેટોરિયમના નિર્માણ માટે આપ સૌને અભિનંદન આપું છું. તમારી માતા, માતૃભાષા અને મધરલેન્ડને મહત્વ આપજો. ગુરૂ પણ ખૂબ જ મહત્વના છે. બાળકો પોતાના ઘરે માતૃભાષામાં બોલે તે જરૂરી છે.  તેનાથી વિશેષ કોઇ નથી. ભારત વિશ્વનું સૌથી પૌરાણિક સિવાલાઇઝેશન છે અને અપણે વસુધૈવ કુટુંબકમ અને શેર એન્ડ કેરમાં માનનારા લોકો છીએ. તમે આ દેશમાં રહો છો ત્યારે તમને પણ આ દેશના નીતિ નિયમોને માની તેને કર્મભૂમિ તરીકે સ્વીકારવા વિનંતી છે.’’

શીખ પ્રતિનિધિ શ્રી સુરેન્દરસિંઘ જગદેવજી, શ્રી રેશમસિંગ સંધુજીએ અરદાસ કરી સૌ વતી શ્રી વાહેગુરુજીના શ્રી ચરણોમાં પ્રાર્થનાઓ કરી હતી.

હિન્દુજા ફાઉન્ડેશનના શ્રી ગોપીચંદ હિંદુજાજીએ આ પ્રોજેક્ટ માટે પ્રસન્નતા વ્યક્ત કરી જણાવ્યું હતું કે ‘’આ રીયલ ડેસ્ટીનેશન છે. ૐ ક્રિમેટોરિયમના નિર્માણ માટે હું પૂ. સાહેબજીને અભિનંદન આપુ છું અને તેના નિર્માણકાર્યમાં સહકાર આપવાની ખાતરી આપું છું. મારા પિતાએ ઇરાનમાં હિન્દુ મંદિર અને ક્રિમેટોરિયમની સ્થાપના કરી હતી. અહિં ભારત જેવા જ અગ્નિસંસ્કાર થાય અને અસ્થીઓ ગંગાજીમાં વિસર્જીત થાય તેવી પ્રાર્થના કરૂ છું.

મિનિસ્ટર પોલ સ્કલીએ શિલાન્યાસ મહાપૂજા વિધિની ભાવસભર અને સ્પષ્ટતાપૂર્ણ રજૂઆતથી પ્રભાવિત થઈ ધન્યવાદ પાઠવ્યા હતા અને ૐ ક્રિમેટોરિયમના સ્વપ્નને સાકાર કરવા અનુપમ મિશન દ્વારા થયેલ પ્રયત્નોની સરાહના કરી હતી.

પૂ. સાહેબજીએ આશીર્વાદ પાઠવી ૐ ક્રિમેટોરિયમના સંકલ્પ, ઇતિહાસ અને તેના નિર્માણ માટે સેવામાં જોડાયેલ તેમજ જોડાનાર, સહકાર આપનાર સૌનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

2 + twenty =