કોરોનાનો નવો સાઉથ આફ્રિકન વેરિયન્ટ વિશ્વભરમાં પ્રસરી રહ્યો છે. આથી ગુજરાતના એરપોર્ટ પર એલર્ટ આપવામાં આવ્યું છે. વિદેશથી આવનારા પ્રવાસીઓનો અમદાવાદ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર શુક્રવારે રાત્રે લંડનની ફ્લાઈટમાં આવેલી એક યુવતીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તંત્ર સતર્ક બન્યું છે. આ યુવતી વડોદરાની છે. વધુ તપાસ માટે તેનું સેમ્પલ પુણે ખાતે જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયું છે. અત્યારે આ યુવતીને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં વધુ તપાસ માટે મોકલવામાં આવી છે. જ્યારે આ ફ્લાઈટના અન્ય મુસાફરોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવતાં તેમને હોમ ક્વોર્રન્ટાઇન રહેવા જણાવાયું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ યુવતીની વધુ માહિતી મેળવીને તેના પ્રવાસ અંગે તપાસ શરૂ કરી છે.
કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિદેશથી આવતા લોકો પર ખાસ નજર રાખવામાં આવે છે. વડોદરામાં છેલ્લા 11 દિવસમાં વિશ્વના જુદા જુદા દેશોમાંથી 949 લોકો આવ્યા છે. જેમાંથી જોખમી અને સંક્રમિત ગણાતા દેશોમાંથી 172 લોકો આવ્યા છે. તેમનું મોનિટરિંગ થઇ રહ્યું છે. હેલ્થ વિભાગે આ 172 લોકોને આઇસોલેશનમાં રહેવા કડક સૂચના આપી છે.
વિદેશથી આવતા તમામ લોકોને એરપોર્ટ પર સેલ્ફ ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહે છે. જેમાં આરટીપીસીઆર રિપોર્ટની વિગતો દર્શાવવાની રહે છે. એમાંય જે લોકો ઓમિક્રોન વેરિઅન્ટથી પ્રભાવિત છે, એવા દેશોમાંથી આવે છે તેઓને આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહે છે. જેમાં રીપોર્ટ નેગેટિવ હોય તો પણ 7 દિવસ ક્વોર્ન્ટાઇનમાં રહેવું પડે છે. જો રીપોર્ટ પોઝિટિવ હોય તો સેમ્પલ ટેસ્ટ માટે મોકલીને આઇસોલેશનમાં રહેવું પડે છે.
અગાઉ યુકેથી નવસારી આવેલા 53 વર્ષનાં ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હેલ્થ વિભાગે નવા વોરિયન્ટની તપાસ માટે તેમનું સેમ્પલ ગાંધીનગરની લેબમાં મોકલ્યું છે. આ ડોક્ટરને એક ખાનગી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.