(Photo by Phill Magakoe / AFP) (Photo by PHILL MAGAKOE/AFP via Getty Images)

યુકે, યુરોપ, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તથા કેટલાક આરબ દેશોએ દક્ષિણ આફ્રિકન દેશો સામે પ્રવાસ નિયંત્રણો લાદયા છે. કોરોનાના નવા સ્ટ્રેઇનના વ્યાપક ફેલાવાની ચિંતાથી યુકેએ દક્ષિણ આફ્રિકા, બોત્સવાના, ઝિમ્બાબ્વે નામીબિયા, લેસોથો, મલાવી મોઝામ્બિક, એસ્વાતિનીથી સીધી ફલાઈટ્સ ઉપર પણ પ્રતિબંધો લાદયા છે. જો કે આ દેશોમાંના અમેરિકન નાગરિકો તથા પર્મેનન્ટ રેસીડેન્ટ્સ પાછી ફરી શકશે. કેનેડા અને સાત આફ્રિકન દેશો વચ્ચે કોઈ સીધી ફલાઇટ્સ છે જ નહીં.

કેનેડાથી આફ્રિકી દેશોમાં ગયેલા સહેલાણીઓ નેગેટીવ ટેસ્ટ અને 14 દિવસ ક્વોરન્ટાઇનની શરતે પાછા ફરી શકશે. અમેરિકા અને કેનેડાની માફક ઓસ્ટ્રેલિયાએ પણ કોરોનાનો વધુ ચેપ ફેલાવાની ભીતિથી નવ આફ્રિકન દેશો સામે નવા પ્રવાસ નિયંત્રણો લાદયા છે. સાઉદી અરબિયા, સંયુક્ત આરબ અમિરાત, બહેરીન, જોર્ડન, ઉત્તર આફ્રિકા સહિતના મધ્ય પૂર્વના દેશોએ પણ આફ્રિકન દેશોનાં પ્રવાસ ઉપર નિયંત્રણો જાહેર કર્યા છે.

જાપાનમાં હજી સુધી જો કે, ઓમિક્રોનનો એક પણ કેસ જણાયો નથી, છતાં જાપાન અને ઈઝરાયેલે તો તમામ વિદેશીઓના પ્રવેશ માટે સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 1લી ડીસેમ્બરથી વિદેશી વિદ્યાર્થીઓ, ત્યાં સ્થાયી થયેલા અને હાલમાં દેશમાં ના હોય તેવા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા વિદેશી માઈગ્રન્ટ્સ વગેરે માટે 1 ડીસેમ્બરથી પ્રવેશ આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો, તે હવે મૂલતવી રાખ્યો છે. ઓમિક્રોન વિષે પુરતી માહિતી અને તેની તીવ્રતા વિષે પુરતી માહિતી પછી ઓસ્ટ્રેલિયા વિદેશીઓને ફરી પ્રવેશ આપવાનો નિર્ણય યોગ્ય સમયે લેશે.

બ્રિટન, અમેરિકા, કેનેડા અને અન્ય દેશો પછી હવે જાપાન, ઇઝરાયેલી પણ પોતાની સરહદો બંધ કરી છે.
વિશ્વના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર જાપાને આકરા નિયંત્રણોના ભાગરૂપે વિદેશીઓ માટે સરહદો બંધ કરવા ઉપરાંત ઇઝરાયેલે પણ આવું જ પગલું ભર્યું છે. મોરોક્કોએ આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનોનો પ્રવેશ 15 દિવસ અટકાવ્યો છે તો સિંગાપુરે વેક્સિનેટેડ ટ્રાવેલ લેનની યોજના પાછી ઠેલી છે.

નવેમ્બર મહિનાની શરૂઆતમાં સાઉથ આફ્રિકામાંથી ફેલાયેલા કોરોનાનો નવા ઓમિક્રોન વેરીઅન્ટ પંદરથી વધુ દેશોમાં તો પહોંચી ગયો છે. કેનેડામાં રવિવારે ઓમિક્રોનના બે પ્રથમ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ફ્રાંસના આરોગ્ય મંત્રાલયે પણ રવિવારે જણાવ્યું હતું કે, દેશમાં ઓમિક્રોનના આઠ કેસ જણાયા છે.

ઇઝરાયેલ, હોંગકોંગ અને બેલ્ઝિયમમાં ઓમિક્રોન વાઇરસ પહોંચી ગયો છે. આ ઉપરાંત અત્યારે સાઉથ આફ્રિકા, બોત્સ્વાના, યુકે, નેધરલેન્ડ, જર્મની, ચેક રીપબ્લિક, ઓસ્ટ્રિયા, ડેન્માર્ક, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ફ્રાંસ જેવા દેશોમાં ઓમિક્રોનના કેસો જણાયા છે.

સૌપ્રથમ સાઉથ આફ્રિકન ડોકટરમાં આ જુદા પ્રકારનો શંકાસ્પદ કોરોના વાઇરસ જોવા મળ્યો હતો, તેમણે રવિવારે જણાવ્યું હતું કે, ઓમિક્રોનના લક્ષણો ઘણા હળવા છે અને તેની સારવાર ઘરે થઇ શકે છે.
સાઉથ આફ્રિકા મેડિકલ એસોસિએશનના ડો. એન્જેલિક કોએત્ઝીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે, ડેલ્ટાની જેમાં આ નવા વેરિઅન્ટથી દર્દીઓ સ્વાદ અથવા સુગંધ પારખવાની ક્ષમતા તથા અને ઓક્સિજનના સ્તરમાં મોટો ઘટાડો હજી સુધી તો નોંધાયો નથી.