Action Images via Reuters/Jason Cairnduff

ઋષભ પંતે પોતાની વન-ડે કારકિર્દીની પહેલી, અણનમ સદી રવિવારે માન્ચેસ્ટરમાં ફટકારી હતી અને તે વિશેષ યાદગાર તો એટલા માટે બની ગઈ હતી, કે એ સદી અને હાર્દિક પંડ્યા સાથેની તેની પાંચમી વિકેટની ભાગીદારીએ ભારતને મેચ અને સીરીઝમાં વિજેતાપદે પહોંચાડ્યું હતું. પંતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૧૬ ચોગ્ગા અને બે છગ્ગા સાથેના ૧૧૩ બોલમાં અણનમ ૧૨૫ રન કર્યા હતા અને એ બદલ તેને પ્લેયલ ઓફ ધી મેચ જાહેર કરાયો હતો. તો હાર્દિક પંડ્યાને તેના સમગ્ર શ્રેણીના પ્રભાવશાળી, ઓલરાઉન્ડ દેખાવ બદલ પ્લેયર ઓફ ધી સીરીઝ જાહેર કરાયો હતો.

ત્રીજી વન-ડેમાં પણ ભારતની શરૂઆત ખરાબ રહી હતી અને 260 રનના ટાર્ગેટ સામે 38 રનમાં ત્રણ અને 72 રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી. એ પછી ટાર્ગેટ વધારે કપરો લાગતો હતો ત્યારે પંત અને પંડ્યાએ ધીમે ધીમે બાજી સંભાળી લીધી હતી અને પાંચમી વિકેટની ભાગીદારીમાં 133 રન કરી ટીમને ફરી મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. હાર્દિક 55 બોલમાં 71 રન કરી વિદાય થયો ત્યારે ભારતે 14.3 ઓવરમાં 55 રન જ કરવાના હતા, પણ પંતે સાત ઓવરથી પણ ઓછામાં એ ટાર્ગેટ પુરો કરી નાખ્યો હતો. એમાં પણ તેણે છેલ્લા 24 રન તો સળંગ ચોગ્ગા મારીને જ લીધા હતા.

વિલીએ નાંખેલી ૪૨મી ઓવરના પહેલા પાંચ બોલે પંતે સતત ચોગ્ગા ફટકાર્યા હતા. જે પછીની ઓવરમાં પહેલા બોલે તેણે રુટની બોલિંગમાં ચોગ્ગો ફટકારી ઈંગ્લેન્ડ સામે મેચ અને શ્રેણી વિજયનો ઝંડો ફરકાવી દીધો હતો.

રોહિત શર્માએ ટોસ જીતી ઈંગ્લેન્ડને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતુ. સિરાજે તેની પહેલી અને ઈનિંગની બીજી જ ઓવરમાં બેરસ્ટો અને જો રૂટ – બન્નેને શૂન્યમાં આઉટ કરતાં ઈંગ્લેન્ડ માત્ર ૧૨ રનમાં બે વિકેટ ગુમાવી હતી. એ પછી રોય અને સ્ટોક્સે સ્કોર ૬૬ સુધી પહોંચાડયો હતો. એ તબક્કે હાર્દિક પંડ્યાએ રૉય અને સ્ટોક્સને પેવેલિયન ભેગા કર્યા હતા. એ પછી તેણે લિવિંગ્સ્ટન તથા બટલરની પણ વિકેટો ઝડપી હતી, તો યુઝવેન્દ્ર ચહલે છેલ્લી ત્રણ વિકેટ ઝડપથી ખેરવી ઈંગ્લેન્ડને 46મી ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ કરી દેતાં તેનો સ્કોર ધાર્યા કરતાં મર્યાદિત રાખી શકાયો હતો.

બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડનો 100 રને વિજયઃ અગાઉ, ગુરૂવારે (14 જુલાઈ) લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી વન-ડેમાં ભારતનો 100 રને કારમો પરાજય થયો હતો. એ મેચમાં પણ ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી 49 ઓવરમાં 246 રન કર્યા હતા. પણ તેના જવાબમાં ભારતીય ટીમ 38.5 ઓવર્સમાં ફક્ત 146 રન કરી શકી હતી. આ રીતે, ઈંગ્લેન્ડનો 100 રને જંગી વિજય થયો હતો.

ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ સૌથી વધુ 47 રન કર્યા હતા, તો ડેવિડ વિલીએ 41, બેરસ્ટોએ 38 તથા લિવિંગ્સ્ટને 33 રન કર્યા હતા. ભારત તરફથી ચહલે ચાર, બુમરાહ – હાર્દિક પંડ્યાએ બે-બે તથા શમી અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં ભારત તરફથી હાર્દિક પંડ્યા – રવિન્દ્ર જાડેજાએ 29-29 રન કર્યા હતા, તો શમીએ 23 અને સૂર્યકુમાર યાદવે 23 રન કર્યા હતા, જ્યારે ઈંગ્લેન્ડ તરફથી રીસ ટોપ્લીએ 24 રનમાં છ વિકેટ લઈ રેકોર્ડ કર્યો હતો, જે બદલ તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

પહેલી વન-ડેમાં ભારતનો 10 વિકેટે વિજયઃ મંગળવારે (12 જુલાઈ) ઓવલ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં ભારતનો 10 વિકેટે પ્રભાવશાળી વિજય થયો હતો. રોહિત શર્માએ ટોસ જીતી પહેલા ઈંગ્લેન્ડને બેટિંગમાં ઉતારી હતી અને ફક્ત 25.2 ઓવર્સમાં તો ઈંગ્લેન્ડ 110 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.

યજમાન ટીમના ટોચના ત્રણ સહિત ચાર બેટ્સમેન શૂન્યમાં વિદાય થયા હતા, તો બટલરના સર્વોચ્ચ 30 રન સાથે ચાર બેટ્સમેન બે આંકડે પહોંચી શક્યા હતા. ભારતના મુખ્ય સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહે વેધક બોલિંગના પ્રભાવશાળી દેખાવમાં 7.2 ઓવરમાં ત્રણ મેઈડન સાથે ફક્ત 19 રન આપી 6 વિકેટ ખેરવી હતી. ઈંગ્લેન્ડના મોખરાની હરોળના પાંચ બેટ્સમેન તો ફક્ત 26 રનમાં જ વિદાય થઈ જતાં ઈંગ્લેન્ડ સામે સૌથી નીચા વન-ડે સ્કોરનું જોખમ ઉભું થયું હતું, પણ બટલર અને મોઈન અલીએ થોડો પ્રતિકાર કર્યા પછી તેમજ પૂંછડિયા બેટ્સમેને ફાળો આપતાં ઈંગ્લેન્ડ 110 સુધી પહોંચી શક્યું હતું.

બુમરાહની છ ઉપરાંત શમીએ ત્રણ તથા પ્રસિદ્ધ ક્રિષ્નાએ એક વિકેટ લીધી હતી.

જવાબમાં ભારતના બન્ને ઓપનર્સ – સુકાની રોહિત શર્મા તથા શિખર ધવને અણનમ ભાગીદારીમાં ફક્ત 18.4 ઓવર્સમાં 114 રન કરી ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું હતું. રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરી પાંચ છગ્ગા અને સાત ચોગ્ગા સાથે 58 બોલમાં 76 કર્યા હતા, તો શિખર ધવને 54 બોલમાં 31 રન કરી તેને સાથ આપ્યો હતો.