બ્રિટનની તમામ જૈન સંસ્થાઓ દ્વારા જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મકલ્યાણકની ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી પ્રેરિત ‘વન જૈન’ સંસ્થા દ્વારા દર વર્ષે પાર્લામેન્ટમાં યોજાતી મહાવીર જયંતીનો ઉત્સવ આ વખતે અત્યારના પેન્ડેમિકને કારણે ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી.

કાર્યક્રમના પ્રારંભે જૈન સમાજના મજબૂત સપોર્ટર ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપને શ્રધ્ધાંજલિ આપી મૌન પાળવામાં આવ્યું હતું. તેમના અવસાનથી જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી છે. જૈન વિશ્વભારતી જ્ઞાનશાળાના બાળકોએ પ્રાર્થના કરી હતી. જૈન ઑલ પાર્લામેન્ટરી ગ્રૂપના સદસ્ય અને એમપી – પદ્મશ્રી બોબ બ્લેકમેન અને ગેરેથ થોમસે ભગવાન મહાવીરના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના સિદ્ધાંતોની ઉપયોગિતા વિશે વાત કરી હતી.

હેરોમાં વસતા જૈન સમણી ડૉ. પ્રતિભા પ્રજ્ઞાજીએ આ પેન્ડેમિકમાં ભગવાન મહાવીરના જીવનમાંથી મળતા સંદેશ વિશે કી-નોટ પ્રવચન આપ્યું હતું. આ વર્ષ આ શ્રીમદ્ રાજચંદ્રજીએ લખેલાં વીસમી સદીના મહાન ગ્રંથ ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ની 125મી જયંતીનું વર્ષ હોવાથી ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના ટ્રસ્ટી જયસુખભાઈ મહેતાએ શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન અને ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ ગ્રંથ પર અત્યંત પ્રેરણાદાયી અને પ્રભાવક પ્રવચન આપ્યું હતું.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના જૈન સોસાયટીના પ્રમુખ કેવલી શાહે યુનિવર્સિટીમાં જૈન સોસાયટીની સ્થાપના અને પેન્ડેમિકમાં બ્રિટનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય અંગે માહિતી આપી હતી. શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રમુખ શ્રી સંવેગ લાલભાઈએ બીજા કી-નોટ પ્રવચનમાં ભગવાન નેમિનાથની નિર્વાણભૂમિ એવા જુનાગઢના ગિરનાર પર્વત પરના પાવન જિનાલયો વિશે વાત કરી એક હજાર વર્ષ જૂનાં દેરાસરો કઈ રીતે જાળવવામાં આવે છે તેનો વિડિયો અને ફોટા દર્શાવ્યા હતા.

સર્વ શ્રી મુકુલભાઈ શાહ, પ્રફુલ્લાબહેન શાહ, ખ્યાતિબહેન બહાઈ અને જતીનભાઈ શાહને કમ્યુનિટી એક્સેલેન્સ માટે ‘વન જૈન એવોર્ડ’ અર્પણ કરવામાં આવ્યા હતા. ભગવાન મહાવીરના જન્મકલ્યાણક નિમિત્તે જૈન સમાજના અગ્રણીઓએ પોતાના સંદેશા આપ્યા અને એ ઉપરાંત કોવિડ વેક્સિનેશન અંગે તેમજ બીજા સ્વાસ્થ્ય અંગેના વિડિયો તૈયાર કરનારાઓનો આભાર માનવામાં આવ્યો.

સાગર માલદે, રૂપલ શાહ અને રાજવી પુનાતર દ્વારા સ્તવનો રજૂ થયા હતા. એ પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની 125મી જયંતીના સંદર્ભમાં શ્રી રાજસોભાગ સત્સંગ મંડળના શ્રીમતી મિનળબહેન શાહ અને શ્રી વિક્રમભાઈ શાહે શ્રીમદ્ રાજચંદ્રજીના જીવન વિશે તથા શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર વિશે વાત કરી હતી. મુખ્ય કાર્યક્રમ બાદ આ રેકોર્ડિંગ રજૂ કરવામાં આવ્યું હતું. આ રીતે વિશ્વના વિવિધ દેશોના અગ્રણીઓના શુભેચ્છા સંદેશ મેળવીને સંસ્થા દ્વારા મહાવીર જયંતીની વિશાળ પાયા પર ઉજવણી કરવામાં આવી હતી.