હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને સીબીઆઈ કોર્ટે અપ્રમાણસર મિલકતના કેસમાં ચાર વર્ષની જેલની સજાની સાથે રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ચૌટાલાની ચાર મિલકતને જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો છે. આ મિલકતો હેલી રોડ, પંચકુલા, ગુરુગ્રામ અને આસોલામાં છે.
કેસની સુનાવણી દરમિયાન સીબીઆઈના વકીલે ચૌટાલાની બીમારીની દલીલોનો વિરોધ કરતા કહ્યું કે ખરાબ આરોગ્યની સારવાર થવી જોઈએ પરંતુ સજા તો મહત્તમ થવી જોઈએ.
સીબીઆઈએ કહ્યું હતું કે સામાન્ય લોકોને સાચો સંદેશ આપવા માટે મહત્તમ સજા જરૂરી છે. સીબીઆઈના વકીલે કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ સમાજ માટે કેન્સર સમાન છે, ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટે એવી સજા આપવી જોઈએ જેથી કરીને સમાજમાં એક દાખલો બેસાડી શકાય.
ઉલ્લેખનીય છે કે, સીબીઆઇએ 2005માં ચૌટાલા વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. એજન્સીએ 26 માર્ચ, 2010ના રોજ ફાઈલ કરેલી તેની ચાર્જશીટમાં આરોપ મૂક્યો હતો કે ચૌટાલાએ 1993થી 2006 વચ્ચે અપ્રમાણસર મિલકતો એકત્ર કરી હતી. સીબીઆઇ દ્વારા નોંધાયેલ એફઆઈઆર મુજબ, ચૌટાલાએ 24 જુલાઈ, 1999થી 5 મે, 2005 સુધી હરિયાણાના મુખ્ય પ્રધાન હતા ત્યારે પરિવાર અને અન્ય લોકો સાથે મળીને તેમની જાણીતી આવકના સ્ત્રોત કરતાં અપ્રમાણસર જંગમ અને સ્થાવર મિલકતો એકત્ર કરી હતી. ચૌટાલાએ આવકથી રૂ. 6.09 કરોડથી વધુની સંપત્તિ એકઠી કરી, જે તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં 189.11 ટકા વધુ હતી.