Uniform Civil Code Bill
(ANI Photo/SansadTV)

રાજ્યસભામાં બીજેપી સાંસદ કિરોડી લાલ મીણાએ શુક્રવારે દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી) તૈયાર કરવા અને લાગુ કરવા માટે એક સમિતિની રચનાની માંગણી કરતી પ્રાઇવેટ મેમ્બર બિલ રજૂ કરતાં મોટો વિવાદ ઊભો થયો હતો. આ બિલને મોદી સરકારે ટેકો આપ્યો હતો.

બિલનો કોંગ્રેસ, TMC, DMK, NCP, CPI(M), CPI, IUML, MDMK અને RJDએ જોરદાર વિરોધ કર્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે પ્રાઇવેટ મેમ્બર બિલ મારફત સરકાર એક ખતરનાક રમત રમી રહી છે. વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું કે મીણાના યુનિફોર્મ સિવિલ કોડ ઇન ઇન્ડિયા બિલ, 2020ને ભૂતકાળમાં ઓછામાં ઓછી છ વખત સૂચિબદ્ધ કરાયું છે, પરંતુ વિપક્ષના વાંધાઓ અને તે પછી ટ્રેઝરી બેન્ચના હસ્તક્ષેપને પગલે તેને ક્યારેય રજૂ કરાયું નથી. પોતાનો વિરોધ દર્શાવતા આરજેડી સાંસદ મનોજ ઝાએ જણાવ્યું હતું કે “શું બદલાયું છે, મને ખબર નથી.”

કેન્દ્રીય પ્રધાન અને ગૃહના નેતા પીયૂષ ગોયલે કહ્યું હતું કે બિલ રજૂ કરવાનો સભ્યને કાયદેસરનો અધિકાર છે. આ વિષય પર ગૃહમાં ચર્ચા થવા દો. આખરે કેટલાક વિપક્ષી સાંસદોની માંગને સ્વીકારીને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે મત વિભાજન કરાવ્યું હતુ. બિલની રજૂઆતની દરખાસ્ત તરફેણમાં 63 અને તેની વિરુદ્ધમાં 23 મતો મળ્યા હતા તેથી બિલની રજૂઆતને મંજૂર મળી હતી. આ પહેલા એક પછી બીજા વિપક્ષી સાંસદોએ તેને પરત ખેંચી લેવાની માંગ કરી હતી.

બિલનો સૌથી વધુ વિરોધ MDMK નેતા વાઈકોએ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શાસક ભાજપ બિલ દ્વારા આરએસએસના એજન્ડાને લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણે દેશના વિભાજન તરફ આગળ વધી રહ્યા છીએ. અલ્પસંખ્યકોને મોટું નુકસાન થયું છે.

IUMLના અબ્દુલ વહાબે કહ્યું હતું કે આ બિલ ભારતના હિતોની વિરુદ્ધ છે. ભારતમાં ગમે તેટલી બહુમતી અથવા ગમે તે તાકાત સાથે તેને લાગુ કરી શકાય નહીં. ડાબેરી પક્ષોના સાંસદો પણ બિલની રજૂઆતનો વિરોધ કરતા કહ્યું કે દેશની એકતા અને વિવિધતા જોખમમાં મુકાશે.
કોંગ્રેસના સાંસદ એલ હનુમંતૈયા, જેબી માથેર હિશામ અને ઈમરાન પ્રતાપગઢીએ બિલનો વિરોધ કર્યો હતો. હનુમંતૈયાએ કહ્યું હતું કે લોકશાહીમાં પ્રચંડ બહુમતી ખતરનાક હોય છે. આપણે સમગ્ર વિશ્વમાં જોયું છે કે આત્યંતિક ડાબેરી અને આત્યંતિક જમણેરી લોકશાહી માટે ખતરનાક બની શકે છે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે?

યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા અને મિલકતના ભાગલા જેવી બાબતોમાં તમામ નાગરિકો માટે સમાન નિયમો. આનો અર્થ એ થયો કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હશે, પછી ભલે તે ધર્મ કે જાતિના હોય. યુનિફોર્મ સિવિલ કોડ જ્યાં પણ લાગુ થશે ત્યાં લગ્ન, છૂટાછેડા અને મિલકતના ભાગલામાં તમામ ધર્મોને સમાન કાયદો લાગુ પડશે. યુનિફોર્મ સિવિલ કોડ લાંબા સમયથી ભાજપનો એક મુખ્ય એજન્ડા રહ્યો છે. ઘણા ભાજપ શાસિત રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા માટે હિલચાલ પણ થઈ છે.

LEAVE A REPLY

two × four =