પાકિસ્તાનના બલૂચિસ્તાનના હરનઇમાં ભૂકંપને પગલે અનેક મકાનો ધરાશાયી થઈ હતા. REUTERS/Naseer Ahmed

પાકિસ્તાનના બલુચિસ્તાનના પર્વતીયાળ વિસ્તારમાં ગુરુવાર, 7 ઓક્ટોબરની વહેલી સવારે 5.9ની તીવ્રતાના શક્તિશાળી ધરતીકંપના ઓછામાં ઓછા 20 લોકોનાં મૃત્યુ થયા હતા અને આશરે 300 લોકો ઘાયલ થયા હતા. ભુકંચના આંચકાથી અનેક મકાનો ધરાશાયી થયા હતા, તેથી મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી અનુસાર, ભૂંકપના ઝટકા સવારે 3.30 વાગ્યાની આસપાસ અનુભવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે બલૂચિસ્તાન પ્રાંતના હરનઇમાં ભૂકંપની સૌથીી વધુ અસર થઈ હતી. લોકોની મદદ અને બચાવ કાર્ય માટે ક્વેટાથી મશીનરી રવાના કરવામાં આવી છે. ઈજાગ્રસ્ત લોકોને હરનઈની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

પાકિસ્તાની મીડિયા દ્વારા પ્રાપ્ત વિઝ્યુઅલ્સ અનુસાર, હરનઈની અનેક હોસ્પિટલોમાં વીજળી નથી. ઈજાગ્રસ્ત લોકોના પરિવારજનો મોબાઈલ ટોર્ચની મદદથી સારવાર કરાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપની અસર અનેક જિલ્લામાં છે, માટે ઈજાગ્રસ્તોની ચોક્કસ સંખ્યા અત્યારે કહી શકાય નહીં. નોંધનીય છે કે આ ભૂકંપ વહેલી સવારે આવ્યો હતો, જ્યારે મોટાભાગના લોકો સુઈ રહ્યા હતા. ભૂકંપના ઝટકા અનુભવાયા પછી લોકોમાં હડકંપ મચી ગયો હતો. લોકો જેમ તેમ કરીને ઘરોની બહાર નીકળ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, મૃતકોની સંખ્યા વધી શકે છે.

દીવાલો પરથી પડવાને કારણે અનેક પીડિતોએ જીવ ગુમાવ્યા છે. સરકારના મંત્રી મીર ઝિયાઉલ્લાહે પણ જણાવ્યું કે, અમને પ્રાપ્ત સૂચના અનુસાર 20 લોકો માર્યા ગયા છે, 200થી વધારે ઈજાગ્રસ્ત થયા છે. બચાવ અભિયાન ચાલુ છે.