પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

તીવ્ર નાણાભીડનો સામનો કરી રહેલા પાકિસ્તાને 6 બિલિયન ડોલરના સહાય પેકેજને ફરી ચાલુ કરવા માટે આખરે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) સાથે ડીલ કરી છે. તેનાથી બીજા આંતરરાષ્ટ્રીય સ્રોત મારફત પણ ફાઇનાન્સિંગના દ્વાર ખુલશે, એમ બુધવારે મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

કરો યા મરોની આ ડીલ મંગળવારની રાત્રે થઈ હતી. આઇએમએફ સ્ટાફ મિશન અને પાકિસ્તાનની ટીમ 2022-23ના બજેટ અંગે સંમત થયા બાદ આ ડીલ થઈ હતી.આ ડીલ મુજબ પાકિસ્તાનની સરકારે ટેક્સ મારફત વધુ રૂ.43,600 કરોડ ઊભા કરવા પડશે. આ ઉપરાંત પેટ્રોલિયમ ટેક્સને વધારીને ધીમે ધીમે લિટર દીઠ રૂ.50 કરવો પડશે, એમ ડોન વર્તમાનપત્રના અહેવાલમાં જણાવાયું હતું.

એક્સ્ટેન્ડેડ ફંડ ફેસિલિટી પેકેજ માટે જુલાઈ 2019માં સમજૂતી થઈ હતી અને તે 39 મહિના માટે હતું. આ રાહત પેકેજ ફરી ચાલુ થયું હોવાથી પાકિસ્તાનને તાકીદે એક બિલિયન ડોલરની સહાય મળશે. પાકિસ્તાનને તેની ઘટતી જતી ફોરેક્સ રિઝર્વને મજબૂત કરવા માટે તાકીદે વિદેશી નાણાની જરૂર છે.

પકિસ્તાનના એક અગ્રણી અખબારના જણાવ્યા અનુસાર એક્સટેન્ડેન્ડ ફંડ ફેસિલિટી (ઇએફએફ)ને ફરીથી શરૂ કરવા માટે પાકિસ્તાન અને આઇએમએફ વચ્ચે સમજૂતી ન થતાં અમેરિકાએ મદદ કરી હતી. આ અગાઉ પાકિસ્તાને આઇએમએફ સાથે સમજૂતી સાધવામાં મદદ કરવા અમેરિકાને અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આઇએમએફમાં અમેરિકાનો મોટો હિસ્સો હોવાને કારણે અમેરિકા આઇએમએફમાં પ્રભુત્ત્વ ધરાવે છે.

દરમિયાન અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત મસૂદ ખાને દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક અમેરિકન વેપાર પ્રતિનિધિ ક્રિસ્ટોફર વિલ્સનની આ સંબધમાં મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન બંને દેશોના વેપાર સંબધોના વિસ્તાર અને પાકિસ્તાનમાં અમેરિકન રોકાણને પ્રોત્સાહન આપવા મુદ્દે ચર્ચા થઇ હતી.