પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ. (ARIF ALI/AFP via Getty Images)

વિશ્વભરમાં આતંકવાદીઓને નાણાકીય સહાય અને મની લોન્ડરિંગ જેવી પ્રવૃત્તિઓ પર નજર રાખતી વૈશ્વિક સંસ્થા ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)એ પાકિસ્તાનને ચાર વર્ષ બાદ તેના ગ્રે લિસ્ટમાંથી દૂર કર્યું છે. પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી હટાવવાનો નિર્ણય પેરિસમાં 18-21 ઓક્ટોબર દરમિયાન યોજાયેલ બેઠકમાં લેવાયો હતો.
વૈશ્વિર સંસ્થાના આ નિર્ણયનો ભારતે વિરોધ કર્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે ભારતના જમ્મુ અને કાશ્મીર સહિતના વિસ્તારોમાં આતંકવાદ ફેલાવવામાં પાકિસ્તાનનો મોટો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે આતંકવાદને નાણાકીય સહાય અને જંગી માત્રામાં મની લોન્ડરિંગ રોકવામાં નિષ્ફળ પાકિસ્તાનને ચાર વર્ષ અગાઉ એફએટીએફે તેના ગ્રે લિસ્ટમાં મુકી દીધું હતું. જેને પરિણામે તેને મળતી વિવિધ વૈશ્વિક આર્થિક સહાય અટકી ગઈ હતી.

એફએટીએફે આ અંગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનને હવે તેની નિરીક્ષણ પ્રક્રિયામાંથી દૂર કરાયું છે. મની લોન્ડરિંગ, ટેરર ફંડિગ જેવી પ્રવૃત્તિઓ અટકાવવા પાકિસ્તાને કેટલાંક મહત્વના પગલાં લીધા છે. જેને પગલે તેને યાદીમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવાયો છે. FATFના ગ્રે લિસ્ટમાં હોવાને કારણે પાકિસ્તાન માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), વર્લ્ડ બેંક, એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) અને યુરોપિયન યુનિયન પાસેથી નાણાકીય સહાય મેળવવી વધુ મુશ્કેલ બની હતી, જેના કારણે તેની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે. એફટીએફે પાકિસ્તાનની સાથે નિકારાગુઆને પણ ગ્રે લિસ્ટમાંથી હટાવી દીધુ છે.

LEAVE A REPLY

11 + 14 =